Devotees crowd at Pavagadh: રામનવમી અને રવિવારના યોગથી પાવાગઢમાં ભક્તોની ભારે ભીડ, શક્તિપીઠે ગુંજ્યા જયઘોષ
Devotees crowd at Pavagadh: આજે રામનવમીનો પાવન દિવસ અને ચૈત્રી નવરાત્રિના અંતિમ નૌમ દિવસનો અનોખો સંગમ બનતાં શક્તિપીઠ પાવાગઢમાં અદ્ભુત આધ્યાત્મિક માહોલ જોવા મળ્યો છે. રવિવારના અવસરે ભક્તોની ભક્તિ વધુ ઉછળતાં આજે વહેલી પરોઢથી જ લાખો શ્રદ્ધાળુઓ પાવાગઢ ડુંગર ઉપર આવેલા મહાકાળી માતાના દર્શન માટે ઉમટી પડ્યા છે.
મંદિરમાં મંગળ આરતીથી દિવસની શરૂઆત સાથે જ માઈના ભક્તોએ ભક્તિમય માહોલ સર્જ્યો હતો. માતાજીના દર્શન માટે મોટી લાઈનો લાગી ગઈ હતી અને ‘જય કાળી માતા’ના જયઘોષ સાથે સમગ્ર પાવાગઢ ગુંજી ઉઠ્યું હતું.

આ અગાઉ ચૈત્રી અઠમના દિવસે પણ હવન, પૂજન અને આરતીના વિશેષ કાર્યક્રમો યોજાયા હતા જેમાં હજારો ભક્તોએ ભાગ લીધો હતો. રામનવમી નિમિત્તે આજે ખાસ પુજન વિધિ, હવન યજ્ઞ અને પૂર્ણાહુતિનો આયોજન કરવામાં આવ્યું છે.
પાવાગઢ ખાતે ભક્તોની સુરક્ષા તથા વ્યવસ્થાને ધ્યાનમાં લઈને સ્થાનિક પોલીસ તંત્ર અને SRP જવાનો દ્વારા કડક બંદોબસ્ત ગોઠવાયો છે. સમગ્ર યાત્રાધામમાં પોલીસ, હોમગાર્ડ અને વોલન્ટિયર્સ સતત પેટ્રોલિંગ કરી ભીડ વ્યવસ્થિત રીતે સંભાળે તે માટે પ્રયત્નશીલ છે.
આજના પાવન દિવસે પાવાગઢનું શક્તિપીઠ ભક્તિ અને શ્રદ્ધાનો પ્રતિક બની ગયું છે, જ્યાં માત્ર ગુજરાત નહીં પણ અન્ય રાજ્યોમાંથી આવેલા ભક્તોએ માતાજીનો આશીર્વાદ મેળવ્યો છે. મંદિરના આસપાસના વિસ્તારોમાં પણ ધર્મમય વાતાવરણ છવાઈ ગયું છે.



