COVID-19 updates Gujarat: એક દિવસમાં ૬૮ કેસ સાથે ગુજરાતમાં કોરોનાનો પારો વધ્યો, એક્ટિવ કેસ ૨૬૫
COVID-19 updates Gujarat: ગુજરાતમાં કોરોનાના નવા કેસમાં ફરીથી વધારો નોંધાયો છે. છેલ્લા ૨૪ કલાકમાં ૬૮ નવા કોરોના પોઝિટિવ દર્દીઓ આવ્યા છે, જે બાદ એક્ટિવ કેસોની સંખ્યા ૨૬૫ થઈ ગઈ છે. ૧૧ દર્દીઓ હાલમાં હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે અને ૨૫૪ દર્દીઓ હોમ આઈસોલેશન હેઠળ છે. અત્યાર સુધી ૨૬ દર્દીઓને સ્વસ્થ માની હોસ્પિટલમાંથી રજા અપાઈ છે.
અમદાવાદમાં નવજાત બાળકનો પોઝિટિવ રિપોર્ટ
અમદાવાદના સોલા સિવિલમાં એક બે દિવસના બાળકનું કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા તેને તાત્કાલિક NICUમાં દાખલ કરવામા આવ્યું છે. બાળકનું વજન ઓછું હોવાથી અને માતા પહેલા કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યુ છે. હાલ માતાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે, પરંતુ બાળકની સારવાર માટે નિષ્ણાતોની ટીમ કામ કરી રહી છે.

અસારવા સિવિલમાં ૮ માસના બાળકની તબિયત ગંભીર
અસારવા સિવિલ હોસ્પિટલમાં ૮ માસના એક બાળકનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે અને તેની ઓક્સિજન પર સારવાર ચાલી રહી છે. આરોગ્ય વિભાગ દ્વારા તમામ માટે ૧૦૪ કોવિડ હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવ્યો છે.
રાજકોટમાં ૮ નવા કેસ નોંધાયા, ૩ દિવસમાં ૧૯ કેસ નોંધાયા
રાજકોટમાં કોરોનાના કેસોમાં તીવ્ર વધારો થયો છે. આજે ૮ નવા કેસ નોંધાયા છે, જેમાં ૨ મહિલા અને ૬ પુરુષો શામેલ છે. છેલ્લા ૩ દિવસમાં કુલ ૧૯ કેસ નોંધાયા છે. આરોગ્ય વિભાગ દ્વારા ટેસ્ટિંગ વધારવામાં આવ્યો છે અને સંક્રમણ રોકવા માટે તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા છે.

સુરત અને જામનગરમાં અપડેટ
સુરતમાં ગતકાલે ૪ નવા કેસ નોંધાયા હતા, જેમાં ૪૪ થી ૭૫ વર્ષનાં વિવિધ વયના દર્દીઓનો સમાવેશ છે. આ બધા દર્દીઓ હાલ હોમ આઈસોલેશનમાં છે અને તેમના સંપર્કમાં આવેલા લોકોને કોઈ તકલીફ નથી. જામનગરમાં એક નવા કેસ સાથે કુલ એક્ટિવ કેસ ૧૩ પર પહોંચી ગયા છે.
આરોગ્યમંત્રીએ કહ્યું – SOPની જરૂર નથી, પરંતુ સાવચેતી જરુરી
આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે સરકાર સતત કેન્દ્ર સરકાર સાથે સંપર્કમાં છે અને હાલના વેરિયન્ટમાં ખતરનાક લક્ષણો નથી. તેથી કોઈ નવા SOPની જરૂરિયાત નથી. જો કોઈને લક્ષણ દેખાય તો તરત આઈસોલેશન અને તબીબી તપાસ કરાવવી જોઈએ.



