Congress MP Rahul Gandhi : રાહુલ ગાંધીનો આરોપ: વકફ બિલ બંધારણ પર સીધો હુમલો છે
Congress MP Rahul Gandhi : કોંગ્રેસના 84મા અધિવેશનમાં આજે અમદાવાદ શહેર સાક્ષી બન્યું. રાહુલ ગાંધીના સંબોધનથી રાજકીય વાતાવરણ ગરમાયું, જેમાં તેમણે વકફ બિલને માત્ર ધર્મ વિરોધી નહીં પણ ભારતના બંધારણ પર સીધો હુમલો ગણાવ્યો.
વકફ બિલ: ધર્મની સ્વતંત્રતા સામેનું પડકાર
રાહુલ ગાંધીનું કહેવું હતું કે ભાજપ દ્વારા લોકસભામાં પસાર કરાયેલ વકફ સુધારા બિલ દેશના બંધારણ અને ધર્મની સ્વતંત્રતાની ભાવનાને ખંડિત કરે છે. તેમણે જણાવ્યું કે આ બિલ માત્ર મુસ્લિમ સમુદાય સામે નહીં, પરંતુ શીખ અને ખ્રિસ્તી સમુદાયોને પણ અસર કરશે. આરએસએસના પત્ર ‘ઓર્ગેનાઇઝર’માં દર્શાવ્યા મુજબ, આ બિલ હેઠળ શીખ અને ખ્રિસ્તી સંસ્થાઓની મિલકત પણ લઇ શકાશે.
જાતિગત વસ્તી ગણતરી: 90% વસ્તીની ભાગીદારીનું પુનરાવલોકન
રાહુલ ગાંધીએ જાતિ આધારિત વસ્તી ગણતરીના મુદ્દે કેન્દ્ર સરકાર પર સવાલ ઉઠાવતાં જણાવ્યું કે દેશની 90% વસ્તી દલિતો, આદિવાસીઓ, પછાત વર્ગો અને લઘુમતી સમુદાયોની છે, છતાં તેમને અર્થતંત્ર અને ઉદ્યોગમાં સમાન હિસ્સો નથી. તેમણે કહ્યું, “અમે 50% અનામતની દિવાલ તોડી દેઈશું. જે કામ અમે તેલંગાણામાં કર્યું તે સમગ્ર દેશમાં અમલમાં મૂકાશે.”
તેમણે આ દાવા સાથે કહ્યું કે કેન્દ્ર સરકારે આ રીતે નફરત ફેલાવવાની રીત અપનાવી છે જ્યાં જનતા સાચી માહિતીથી વંચિત રહે છે. તેઓએ કહ્યું કે પીએમ મોદી OBCની વાત તો કરે છે પણ તેમનો હિસ્સો નક્કી કરવા જાતિગત ગણતરી કરાવવાને લઈને ચૂપ છે.

બંધારણ અને વિચારધારાની લડાઈ
રાહુલના સંબોધનમાં મહાત્મા ગાંધી, સરદાર પટેલ, બુદ્ધ અને નારાયણ ગુરુના વિચારોનો ઉલ્લેખ કરીને તેમણે જણાવ્યું કે આજે ભારતના બંધારણ સામે હુમલો થઈ રહ્યો છે. “આ એક ચૂંટણીની લડાઈ નથી. આ ભારતના વિચારની લડાઈ છે. જે વિચારધારાને નિર્માણ કર્યો તે આજે સંકટમાં છે.”
તેમણે કહ્યુ કે, “બીજા રાજકીય પક્ષો પાસે વિચારધારા નથી, જેથી તેઓ આ લડાઈ લડી શકતા નથી. એકમાત્ર કોંગ્રેસ જ દેશના બંધારણ અને સમાનતા માટે લડી શકે છે.”
દલિતો, પછાત વર્ગો અને યુવાનો માટે સંદેશ
રાહુલ ગાંધીએ પોતાના વક્તવ્યમાં કહ્યું કે કોંગ્રેસ પછાત વર્ગો, દલિતો, અને યુવાનોના હિત માટે નક્કર પગલાં ભરી રહી છે. તેમણે ભાજપ પર આરોપ મુક્યો કે –
એસસી-એસટી એક્ટને નબળો બનાવાયો
અગ્નિવીર યોજનામાં યુવાનોને પેન્શન અને શહીદનો દરજ્જો ન મળવો અન્યાય
દલિત નેતાઓ સાથે મંદિરોમાં ભેદભાવ
પાર્ટી સંગઠનમાં પરિવર્તનનું સંકેત
અધિવેશનમાં કોંગ્રેસના આંતરિક સંગઠન સંદર્ભે પણ ચર્ચા થઈ. રાહુલે જણાવ્યું કે “જિલ્લા પ્રમુખો પાર્ટીનો પાયો છે અને તેમને પૂરતી જવાબદારી તથા સત્તા મળી રહી નથી. આ પરિવર્તન અમે લાવી રહ્યા છીએ.”



