Coastal Railway Line Gujarat: ગુજરાતમાં કોસ્ટલ બેલ્ટનો પ્રભાવશાળી વિકાસ: 924 કિમી કોસ્ટલ રેલવે લાઇન માટે 23 કરોડની મંજૂરી
Coastal Railway Line Gujarat: ગુજરાતમાં કોસ્ટલ કોરિડોર પ્રોજેક્ટને પ્રોત્સાહન આપવા માટે 924 કિલોમીટર લાંબી કોસ્ટલ રેલવે લાઇનના વિકાસ માટે મહત્વપૂર્ણ પગલાં ભરાયા છે. રેલવે મંત્રાલયે આ લાઈનના અંતિમ સર્વે અને વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ માટે 23 કરોડ રૂપિયાની મંજૂરી આપી છે. આ તકે, ગુજરાત અને મધ્યપ્રદેશમાં દસ મહત્વપૂર્ણ રેલવે પ્રોજેક્ટો માટે કુલ 52.16 કરોડ રૂપિયાનું ફંડ ફાળવવામાં આવ્યું છે.
ત્રણ તબક્કામાં રેલવે પ્રોજેક્ટનો વિકાસ
924 કિલોમીટરની કોસ્ટલ રેલવે લાઈન ત્રણ તબક્કામાં વિકસાવવામાં આવશે. આ લાઈન દહેજ, જંબુસર, ખંભાત, ધોલેરા, ભાવનગર, મહુવા, પીપાવાવ, છારા, સોમનાથ, સારડિયા, પોરબંદર, દ્વારકા અને ઓખા જેવા વિસ્તારોને જોડશે.

દહેજ-ભાવનગર સી-લિંક પ્રોજેક્ટનો સમાવેશ
આ પ્રોજેક્ટમાં દહેજ-ભાવનગર સી-લિંક પ્રોજેક્ટ પણ સામેલ છે, જે 40 કિમી લાંબું હશે. આ ઉપરાંત, ચાર ડબલિંગ અને મલ્ટિપલ ટ્રેક પ્રોજેક્ટો માટે અંતિમ લોકેશન સર્વેને પણ મંજૂરી આપવામાં આવી છે.
કોસ્ટલ હાઈવે માટે 2,400 કરોડથી વધુનું ફંડ

રાજ્યમાં 1,630 કિમી. લાંબા કોસ્ટલ હાઈવેના વિકાસ માટે પણ સરકાર દ્વારા 2,400 કરોડ રૂપિયાથી વધુની ફાળવણી કરવામાં આવી છે. આ ઉમરગામ (વલસાડ) થી કચ્છના નારાયણ સરોવર સુધીના હાઈવે પ્રોજેક્ટનો ભાગ છે. હાલ વલસાડ જિલ્લામાં 45 કિમી લાંબા હાઈવે પાટા પર કામ પ્રગતિમાં છે.
અધિકારીઓના મતે, આ રેલવે અને હાઈવે પ્રોજેક્ટ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર વચ્ચેનું અંતર ઘટાડીને યાત્રી અને માલપરિવહનને ઝડપી અને સુગમ બનાવશે.



