Chandola Lake Bulldozer Action: ચંડોળા તળાવ વિસ્તાર ફરી ચર્ચામાં: 20 મેથી AMC બુલડોઝર ઝુંબેશ શરૂ કરશે
Chandola Lake Bulldozer Action: અમદાવાદનું ચંડોળા તળાવ વિસ્તાર ફરી એકવાર ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. શહેરમાં ગેરકાયદેસર વસાહતો અને વિદેશી ઘૂસણખોરી સામે વહીવટીતંત્ર કડક ઍક્શન લેવા તૈયાર છે. 20 મે, મંગળવારથી આ વિસ્તારમાં બુલડોઝર ચલાવવાની મોટી ઝુંબેશ શરૂ કરવામાં આવશે. સરકારી અધિકારીઓના જણાવ્યા મુજબ આ ઝુંબેશનો મુખ્ય ઉદ્દેશ્ય ગેરકાયદેસર દબાણ દૂર કરવો અને વિસ્તારને ફરીથી સુરક્ષિત અને વ્યવસ્થિત બનાવવો છે.
મીની બાંગ્લાદેશ તરીકે ઓળખાતો વિસ્તાર
શહેરના પોલીસ કમિશનર જી.એસ. મલિકે જણાવ્યું હતું કે, ચંડોળા તળાવ વિસ્તાર હાલ મોટાપાયે વિદેશી ઘૂસણખોરોનો આશરો બન્યો છે. અધિકારીઓના કહેવા મુજબ અહીં મોટી સંખ્યામાં બાંગ્લાદેશી નાગરિકો ગેરકાયદેસર રીતે વસવાટ કરી રહ્યા છે અને ઘણી વખત નકલી ઓળખપત્રો બનાવીને સરકારી સેવાઓનો ઉપયોગ પણ કરી રહ્યાં છે. આ જ કારણે હવે આ વિસ્તાર “મીની બાંગ્લાદેશ” તરીકે ઓળખાવા લાગ્યો છે.

ઝુંબેશ માટે મોટાપાયે પોલીસ બંધોબસ્ત
આ ઝુંબેશને શાંતિપૂર્ણ અને સફળ બનાવવા માટે વહીવટીતંત્ર દ્વારા સમગ્ર આયોજન પહેલેથી જ તૈયાર કરી લેવામાં આવ્યું છે. આશરે 2.5 લાખ ચોરસ મીટર જમીન પરથી ગેરકાયદેસર માળખાં દૂર કરવામાં આવશે. આ માટે રાજ્યના 3000 જેટલા પોલીસકર્મી અને SRPની 25 ટુકડીઓ તૈનાત કરાશે. ઝૂંપડપટ્ટી, દુકાનો અને ઘર વગેરેના સર્વે પણ પૂર્ણ થઇ ગયા છે.
અટકાયત અને દેશનિકાલ: વર્ષ 2025ની હકીકત
વિશ્વસનીય માહિતી અનુસાર વર્ષ 2025ના શરૂઆતથી અત્યાર સુધીમાં અમદાવાદ શહેરમાં કુલ 250 બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ થઈ ચૂકી છે. તેમાંથી માત્ર ચંડોળા તળાવ વિસ્તારમાંથી જ 207 લોકોને પકડવામાં આવ્યા છે. પોલીસે તપાસમાં જાણ્યું છે કે ઘણાં આરોપીઓ નકલી દસ્તાવેજોની મદદથી દેશમાં રહેતાં હતાં. વહીવટીતંત્ર દ્વારા આવા લોકો સામે કાનૂની પગલાં લેવામાં આવી રહ્યા છે અને હાલમાં સુધીમાં 200થી વધુને દેશમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે.

જેમને માન્ય દસ્તાવેજ છે, તેઓ નિર્ભય રહે: વહીવટીતંત્ર
કમિશનર મલિકે સ્પષ્ટતા કરી હતી કે આ ઝુંબેશનો ઉદ્દેશ્ય માત્ર ગેરકાયદેસર વસાહતો દૂર કરવાનો છે. જેમના પાસે માન્ય દસ્તાવેજો છે અને કાયદેસર રીતે રહે છે, તેમના માટે કોઈ સમસ્યા ઉભી નહીં થાય. વહીવટીતંત્રનું ધ્યાન માત્ર તાજેતરમાં બિનકાયદેસર રીતે આવેલા લોકો અને દબાણો તરફ જ હશે.
વિસ્તારને સ્વચ્છ અને સુરક્ષિત બનાવવાનો સંકલ્પ
આ ઝુંબેશ દ્વારા વિસ્તારમાંથી દબાણ દૂર થવાથી ન માત્ર આવાસ સમસ્યા ઉકેલાશે પરંતુ સ્થાનિક કાયદો અને વ્યવસ્થામાં પણ સુધારો થશે. વહીવટીતંત્ર ચંડોળા તળાવ વિસ્તારને વધુ સારી રીતે વિકસિત કરવાની દિશામાં પ્રયાસશીલ છે.



