Astronomy and Space Science Gallery: બ્રહ્માંડના રહસ્યો હવે નજીકથી જાણો: અમદાવાદમાં નવી એસ્ટ્રોનોમી ગેલેરી શરૂ
Astronomy and Space Science Gallery: વિજ્ઞાન અને બ્રહ્માંડ વિશે જાણવા ઉત્સુક લોકો માટે એક વિશિષ્ટ તક ઉપસી છે. અમદાવાદ સ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં ‘એસ્ટ્રોનોમી એન્ડ સ્પેસ સાયન્સ ગેલેરી’ નામની અદ્વિતીય ગેલેરી હવે જાહેર જનતા માટે ખુલ્લી મૂકવામાં આવી છે. 15 મે 2025થી વિઝિટર્સ માટે ઉપલબ્ધ રહેતી આ ગેલેરી બ્રહ્માંડની રહસ્યમય દુનિયા, વૈજ્ઞાનિક સિદ્ધાંતો અને ભારતીય અવકાશ યાત્રાના ઈતિહાસને સમજાવવાનો પ્રયાસ કરે છે.
બ્રહ્માંડના કેન્દ્રમાં સૌરમંડળનું જીવન્ત દૃશ્ય
આ નવીન ગેલેરી 12,797 ચોરસ મીટરના વિશાળ વિસ્તારમાં ફેલાયેલી છે અને તેમાં ત્રણ માળનો ભવ્ય ગ્લોબ સ્થાપિત કરવામાં આવ્યો છે, જે સૂર્યનું પ્રતિનિધિત્વ કરે છે. તેની આસપાસ સૌરમંડળના ગ્રહોનું ભૌગોલિક ગોઠવણી દર્શાવવામાં આવી છે. ગેલેરીમાં કુલ છ મુખ્ય વિભાગો છે, જેમા દરેક વિભાગ વૈજ્ઞાનિક જ્ઞાન અને બ્રહ્માંડના વિવિધ પાસાંઓને આવરી લે છે.

એસ્ટ્રોનોમીના મૂળ સિદ્ધાંતોથી લઈને ભવિષ્યના સંશોધન સુધી
‘ફંડામેન્ટલ્સ એન્ડ હિસ્ટ્રી’ વિભાગમાં 47 એક્ઝિબિટ્સ મૂકવામાં આવ્યા છે, જેમાં બ્રહ્માંડની રચના, એસ્ટ્રોનોમીના મૂળ સિદ્ધાંતો અને ઇતિહાસ અંગે માહિતિ મળે છે. ‘પ્રેઝન્ટ ગેલેરી’માં હાલના અવકાશ મિશન્સ અને શોધોને આવરી લેતા 30 એક્ઝિબિટ્સ છે. જ્યારે ‘ફ્યુચર ગેલેરી’માં 24 એક્ઝિબિટ્સ છે, જે ભવિષ્યના અવકાશ સંશોધનને દર્શાવે છે.
ભારતનો યોગદાન અને વર્ચ્યુઅલ અવકાશ પ્રવાસ
ભારતના અવકાશવિજ્ઞાન યોગદાનને ઉજાગર કરતી એક વિશિષ્ટ ગેલેરીમાં 32 એક્ઝિબિટ્સ છે. ‘સ્ટેલર ગેલેરી’માં તારાઓ અને તારામંડળોની રચના સમજાવવામાં આવી છે, જ્યારે ‘વર્ચ્યુઅલ રિયાલિટી’ વિભાગમાં 4 એક્ઝિબિટ્સ છે, જે વર્ચ્યુઅલ ટેક્નોલોજી દ્વારા અવકાશ પ્રવાસનો અનુભવ કરાવે છે.

નવિનતાથી ભરેલી વિશિષ્ટ સુવિધાઓ
ગેલેરીમાં 6 આઉટડોર ઇન્સ્ટોલેશન અને ચાર એટ્રિયમ આધારિત મૉડલ્સ પણ મુલાકાતીઓને જુદો અનુભવ આપે છે. વધુમાં, અહીં 172 બેઠકો ધરાવતું ભારતનું ઊંચુ ‘હાઇબ્રિડ ડોમ પ્લેનેટેરિયમ’ પણ તૈયાર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત 24 ઇંચનું ટેલિસ્કોપ, 360-ડિગ્રી ઓબ્ઝર્વેશન ડોમ અને આધુનિક એસ્ટ્રોફોટોગ્રાફી ઉપકરણો ઉપલબ્ધ છે.
વૈજ્ઞાનિક અભિગમ સાથે નવા પેઢીને પ્રેરણા
ગુજરાત સાયન્સ સિટીની આ ત્રીજી વિશાળ ગેલેરી, રોબોટિક્સ અને એક્વેરિયમ બાદ, વિદ્યાર્થીઓ અને વિજ્ઞાનપ્રેમીઓ માટે એક શિક્ષણાત્મક અને પ્રેરણાત્મક સ્થળ બની રહેશે. બાળકો માટે અહીં 3D ફિલ્મો અને ખાસ વિજ્ઞાન પ્રવૃત્તિઓનું પણ આયોજન કરવામાં આવ્યું છે.



