Amit Shah Lawyers : અમિત શાહની ઉપસ્થિતિમાં અમદાવાદમાં 11,000થી વધુ વકીલોએ લીધા શપથ!
Amit Shah Lawyers : અમદાવાદ ખાતે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા આયોજિત નવા વકીલોના શપથગ્રહણ સમારોહમાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હાજરી આપી. આ પ્રસંગે 11 હજારથી વધુ યુવા વકીલોએ શપથ લીધા. અમિત શાહે આ ઇતિહાસ રચનારા કાર્યક્રમને મહત્વપૂર્ણ ગણાવતા જણાવ્યું કે આ નવી પેઢી સંવિધાનની રક્ષા અને ન્યાય માટે કાર્યરત થશે.
વકીલાત માત્ર એક વ્યવસાય નહીં, પરંતુ એક પવિત્ર ફરજ છે, એમ જણાવી અમિત શાહે ઉમેર્યું કે, દેશના 140 કરોડ નાગરિકોના અધિકારોની સુરક્ષા અને ન્યાય વ્યવસ્થાની જાળવણીમાં વકીલોની ભૂમિકા મહત્ત્વપૂર્ણ છે. ભારતનું સંવિધાન 75 વર્ષ પૂર્ણ કરી ચૂક્યું છે અને આ તકે દેશના ન્યાયિક તંત્રને વધુ મજબૂત બનાવવું જરૂરી છે.
તેમણે યુવા વકીલોને પ્રેરિત કરતા જણાવ્યું કે, ભારત આર્થિક વિકાસના દ્રષ્ટિએ વિશ્વમાં પાંચમાં ક્રમે પહોંચ્યું છે, જેમાં ન્યાયિક વ્યવસ્થાનું યોગદાન મહત્વનું રહ્યું છે. આઝાદી આંદોલનના સમયગાળામાં મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, ડૉ. બાબાસાહેબ આંબેડકર, લાલા લજપતરાય જેવા આગેવાનોએ ધારાશાસ્ત્રી તરીકે દેશની સેવા કરી હતી. આજે વકીલો માટે પણ તે જ ભાવનાથી દેશની સેવામાં જોડાવાનો અવસર છે.
અમિત શાહે બાર કાઉન્સિલના અધ્યક્ષ જે.જે. પટેલને અભિનંદન આપતા કહ્યું કે, આટલી મોટી સંખ્યામાં વકીલોના શપથ ગ્રહણ માટેનું આયોજન દેશભરમાં અપૂર્વ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં છેલ્લા દશ વર્ષમાં સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય ક્ષેત્રે નોંધપાત્ર સુધારા થયા છે. ત્રિપલ તલાકનો અંત, નવી શિક્ષા નીતિ, માટી ભાષામાં શિક્ષણ, 39 હજાર બિનજરૂરી કાયદાઓનું નાબૂદીકરણ અને દેશને પાંખ અપાવનાર નીતિઓ વડાપ્રધાન મોદીએ અમલમાં મૂકી છે.
દેશની ન્યાય પ્રણાલી ઝડપી અને અસરકારક બને તે માટે તાજેતરમાં ત્રણ નવા અપરાધિક કાયદાઓ લાગુ કરવામાં આવ્યા છે. અમિત શાહે જણાવ્યું કે, હવે ન્યાય માટે વર્ષો રાહ જોવાની જરૂર નહીં રહે, કારણ કે આરોપી વિરુદ્ધ પહેલી સુનાવણી 60 દિવસમાં, ચાર્જશીટ પછી 90 દિવસમાં જ તમામ તપાસ પૂર્ણ કરવાની સુવિધા છે. આ સુધારાઓ ન્યાય માટેના લાંબા વલણને ઘટાડશે અને ન્યાય માટેની પ્રક્રિયાને વધુ અસરકારક બનાવશે.
આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન નવા વકીલોએ ભવિષ્યમાં પ્રજાને ન્યાય અપાવવાના સંકલ્પ સાથે શપથ લીધા અને બાર કાઉન્સિલના સભ્યો સહિત અનેક અગ્રણીઓએ તેમની શુભેચ્છાઓ પાઠવી.



