Air India Crash: અકસ્માત સ્થળ બન્યું ભઠ્ઠી: 1000 ડિગ્રી તાપમાને પ્રાણીઓ-પક્ષીઓ પણ બળીને રાખ
Air India Crash: અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં થયેલી એર ઇન્ડિયાની વિમાન દુર્ઘટના પછી સમગ્ર શહેરમાં શોકની લાગણી છે. દુર્ઘટનાના સ્થળે તાપમાન 1000° સેલ્સિયસ સુધી વધી જતા બચાવ કામગીરી અતિ મુશ્કેલ બની ગઈ હતી. મૃતદેહો રસ્તાઓ પર વિખરાયેલા હતા અને મોટાભાગના મૃતદેહો બળી ગયા હતા કે ઓળખ મુશ્કેલ બની હતી. એર ઇન્ડિયાએ પુષ્ટિ કરી છે કે વિમાનમાં આવેલા 242માંથી 241 લોકોના મોત થયા છે. માત્ર એક મુસાફર જીવતો બચી ગયો છે.
અત્યાર સુધીમાં 265 મૃતદેહ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા છે. દુર્ઘટનાના તીવ્ર વિસ્ફોટના કારણે આસપાસના રસ્તા અને વિસ્તાર ભયાનક રીતે અસરગ્રસ્ત બન્યા છે. પ્રાણીઓ અને પક્ષીઓ પણ બચી ન શક્યા. જો ત્યાં જીવંત કંઈ બચ્યું હશે, તો તે માત્ર દુ:ખદ સ્મૃતિ છે.
અધિકારીઓ મુજબ, ક્રેશ થયેલા વિમાનનું બળતણ સળગતા તાપમાન 1000°C થઈ ગયું હતું. PPE કિટ પહેરીને બચાવકર્મીઓએ કામગીરી શરૂ કરી હતી, પરંતુ જ્વાળાઓ અને ધુમાડાને કારણે મુશ્કેલીમાં મુકાયા હતા.
વિમાન ક્રેશ થતાં જ શહેરના સિવિલ હોસ્પિટલ નજીકના ડોક્ટરોના હોસ્ટેલ અને નર્સિંગ સંકુલ પર અથડાયું. આ દુર્ઘટનામાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પણ ગુમાવવાનો વારો આવ્યો. દુર્ઘટનાની અસરનો ધસારો હજી પણ ઓછો થયો નથી.
વિમાનમાં સવાર મુસાફરોમાં ભારતીયો ઉપરાંત બ્રિટિશ, કેનેડિયન અને પોર્ટુગીઝ નાગરિકો પણ હતા. દુર્ઘટનાની યોગ્ય તપાસ માટે વિમાન અકસ્માત તપાસ બ્યુરો દ્વારા તપાસ શરૂ થઈ ચૂકી છે.