Ahmedabad: અમદાવાદ DRIની મોટી કાર્યવાહી: કંડલા-મુન્દ્રા પોર્ટથી ₹21 હજાર કરોડની બ્લેક મની કૌભાંડનો પર્દાફાશ
Ahmedabad: અમદાવાદ ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI)ના અધિકારીઓએ કંડલા અને મુન્દ્રા પોર્ટ પર દરોડા પાડી ₹21 હજાર કરોડની બ્લેક મની વિદેશ મોકલવાનું કૌભાંડ ઝડપી પાડ્યું છે. આ કૌભાંડ 2023થી 2024 દરમિયાન અંજામ આપવામાં આવ્યું હતું, જેમાં અનેક ક્લાસ વન અધિકારીઓની સંડોવણી બહાર આવી છે. DRIએ કાનૂની કાર્યવાહી કરીને ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે.
બોગસ કંપનીઓ દ્વારા બ્લેક મની વિદેશ મોકલાઈ
DRIની તપાસમાં ખુલાસો થયો કે મુન્દ્રા પોર્ટ પર 50 બોગસ કંપનીઓ દ્વારા વિદેશથી લાવવામાં આવેલી સામગ્રીઓ જેમ કે વોલપેપર, સર્જીકલ આઇટમ્સ અને અન્ય વસ્તુઓના ઓવર વેલ્યુએશન (કૃત્રિમ ભાવ વધારો) કરવામાં આવ્યા હતા. આ રીતે નિયમસર પેમેન્ટ કરીને મોટી માત્રામાં બ્લેક મની વિદેશ મોકલવામાં આવી હતી.
આરોપીઓની ધરપકડ અને અધિકારીઓની સંડોવણી
DRIએ કાનૂની કાર્યવાહી હાથ ધરી છે અને સુનીલ જોઈસર, સુનિલ ગોહિલ અને કસ્ટમ હાઉસ એજન્ટ મુકેશની ધરપકડ કરીને તેમને રિમાન્ડ પર લીધા છે. સાથે, આશિષ ઠક્કર અને આકાશકુમારની પણ સંડોવણી બહાર આવી છે. આ સમગ્ર કૌભાંડમાં મુન્દ્રા એસી ઝેડના ડેવલોપમેન્ટ કમિશનરની સંડોવણી પણ બહાર આવી છે, જો કે હજી સુધી તેમની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.
આ કૌભાંડના ખુલાસા બાદ વધુ તપાસ શરૂ કરવામાં આવી છે અને કાંડમાં સામેલ અન્ય આરોપીઓ અને અધિકારીઓ સામે પણ આગામી દિવસોમાં કડક પગલાં ભરવામાં આવશે.



