Vadodara M S University : MSUમાં એરોનોટિકલ એન્જિનિયરિંગનો કોર્સ શરૂ થશે, AICTE તરફથી મંજૂરી મળતા તૈયારીઓએ ઝડપ પકડી
Vadodara M S University : વડોદરા સ્થિત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં હવે વિદ્યાર્થીઓ માટે એરોનોટિકલ એન્જિનિયરિંગનો ડિગ્રી કોર્સ શરૂ થવાનો માર્ગ ખુલ્લો થયો છે. યુનિવર્સિટીની ટેકનોલોજી ફેકલ્ટીમાં હવે AICTE (ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન)ની મંજૂરી મળ્યા બાદ નવા અભ્યાસક્રમની શરૂઆત આગામી શૈક્ષણિક વર્ષથી થશે.
વિશિષ્ટ માહિતી આપતાં ઈન્ચાર્જ વાઈસ ચાન્સેલર ધનેશ પટેલે જણાવ્યું હતું કે, કોઈપણ ટેકનિકલ અભ્યાસક્રમ શરૂ કરવા માટે AICTEની મંજૂરી અનિવાર્ય છે. નવા કોર્સ અંતર્ગત પ્રથમ તબક્કે 30 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે. આ અભ્યાસક્રમ સેલ્ફ ફાઈનાન્સ મોડ પર ચલાવવામાં આવશે અને જરૂરી માળખાકીય સુવિધાઓ ઝડપથી ઊભી કરાશે.
વિશેષ રીતે નોંધનીય છે કે, આ અભ્યાસક્રમ ‘મેક ઈન ઈન્ડિયા’ પહેલના સંદર્ભમાં પણ મહત્વનો છે, જ્યાં દેશભરમાં જ એરક્રાફ્ટ નિર્માણ માટે ટેકનિકલ માનવશક્તિની માંગ વધી રહી છે. તેથી, આ કોર્સ વડોદરાના તેમજ ગુજરાતના વિદ્યાર્થીઓ માટે નવા કારકિર્દી દ્રાર ઊઘાડશે.

સાથે જ, યુનિવર્સિટીમાં બી.ઇ. મિકેનિકલના કોર્સ માટે પણ સેલ્ફ ફાઈનાન્સ પધ્ધતિ હેઠળ વધારાની 60 બેઠકો મંજૂર કરાઈ છે, જેથી વધુ વિદ્યાર્થીઓને એન્જિનિયરિંગ અભ્યાસ માટે પ્રવેશની તકો મળશે.
અહીં ઉલ્લેખનીય છે કે યુનિવર્સિટીએ રાજ્ય સરકાર સમક્ષ નાણાકીય સહાય માટે અરજ કરી હતી, પરંતુ સહાય મળતી ન હોવાથી કોર્સને સ્વવિત્તિ આધારે શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે.



