Gandhinagar Municipal Corporation: ગાંધીનગર મનપાની બંપર વસૂલાત: વ્યવસાય વેરામાં 16 કરોડનો રેકોર્ડ, 17% વધારો નોંધાયો
Gandhinagar Municipal Corporation : ગાંધીનગર મહાનગરપાલિકાએ આ નાણાકીય વર્ષમાં વ્યવસાય વેરાની વસૂલાતમાં ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. 15 માર્ચ સુધીમાં મનપાએ 16 કરોડ રૂપિયા વસૂલ કર્યા, જે ગત વર્ષની 14 કરોડની વસૂલાતની સરખામણીએ 17% વધુ છે.

શહેરના તમામ વિસ્તારોમાં સઘન વસૂલાત અભિયાન ચલાવવામાં આવ્યું. ઉત્તર ઝોનમાં GIDC, સેક્ટર-24, 26, 28, વાવોલ અને પેથાપુરને આવરી લેવાયા, જ્યારે મધ્ય ઝોનમાં સેક્ટર-16 અને 21માં કામગીરી થઈ. દક્ષિણ ઝોનમાં કુડાસણ, ભાટ, ઝુંડાલ, સરગાસણ અને ખોરજમાં વસૂલાત અભિયાન સફળતાપૂર્વક હાથ ધરાયું.

મનપાની ટીમોએ વ્યવસાયોની નવી નોંધણીને પ્રોત્સાહન આપ્યું અને બાકી વેરાની વસૂલાત માટે કડક કાર્યવાહી શરૂ કરી. અત્યાર સુધીમાં 2,473 બાકીદારોને નોટિસ મોકલવામાં આવી છે. મનપાના અધિકારીઓએ જણાવ્યું કે આવનારા દિવસોમાં પણ વસૂલાત અભિયાન સતત ચાલુ રહેશે.



