Visavadar seat By-election : વિસાવદર પેટાચૂંટણીનો રસ્તો સાફ: હર્ષદ રીબડીયાએ હાઇકોર્ટમાંથી પિટિશન પરત ખેંચી
Visavadar seat By-election : જૂન-જુલાઈમાં ગુજરાત વિધાનસભાની બે ખાલી બેઠકો, કડી અને વિસાવદર માટે પેટાચૂંટણી યોજાવાની શક્યતા છે. કડી વિધાનસભા બેઠક ધારાસભ્ય કરસનભાઈ સોલંકીના નિધનથી ખાલી થઈ હતી, જ્યારે વિસાવદર બેઠક હાઈકોર્ટમાં દાખલ થયેલી ચૂંટણી પિટિશનને કારણે અટકેલી હતી. હવે, ભાજપના પૂર્વ ધારાસભ્ય હર્ષદ રીબડીયાએ તેમની પિટિશન પરત ખેંચતા વિસાવદર બેઠક પર પેટાચૂંટણી યોજાવાનો રસ્તો મોકળો થયો છે.
વિસાવદર પેટાચૂંટણી માટેનો માર્ગ મોકળો
વિસાવદર વિધાનસભા બેઠક પર 2022ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ભૂપત ભાયાણી વિજેતા બન્યા હતા. ભાજપના હર્ષદ રીબડીયાએ ચૂંટણી પરિણામ સામે હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરીને ગેરરીતિના આરોપ લગાવ્યા હતા. આ કેસ પેન્ડિંગ રહેતા ચૂંટણી પ્રક્રિયા અટકી હતી. હવે, રીબડીયાએ પિટિશન પરત ખેંચતા વિસાવદર માટે પેટાચૂંટણીની શક્યતાઓ તેજ થઈ છે.
કડી વિધાનસભા બેઠક પર પણ પેટાચૂંટણી
કડી વિધાનસભા બેઠક પર પણ આગામી સમયમાં પેટાચૂંટણી યોજાવાની ધારણા છે. ભાજપના ધારાસભ્ય કરસનભાઈ સોલંકીના અવસાન બાદ આ બેઠક ખાલી પડી છે. ગત ચૂંટણીમાં અહીં ભાજપનો વિજય થયો હતો. હવે, આગામી ચૂંટણીમાં કઈ પાર્ટી જીતશે અને આ પેટાચૂંટણીમાં કોનો પ્રભાવ રહેશે, તે જોવું રસપ્રદ રહેશે.



