Election Expenditure Mess: ચૂંટણીમાં અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની સેટિંગ? 20 લાખના મંડપ માટે 3 કરોડનું ચોંકાવનાર બિલ!
Election Expenditure Mess: લોકસભાની ચૂંટણીમાં ભ્રષ્ટ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોએ મીલીભગત રચી ચૂંટણી ખર્ચમાં ગેરરીતિ આચરી છે, જેના પગલે મુખ્ય નિર્વાચન અધિકારીએ જિલ્લા કલેક્ટરને નોટિસ આપી ખુલાસો માંગ્યો છે.
કોંગ્રેસ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી મેવાણીએ નોટિસ દર્શાવી વિધાનસભા ગૃહમાં એવી ચોંકાવનારી વાત રજૂ કરી કે, ‘પોરબંદરમાં તો મત ગણતરી કેન્દ્ર પર મંડપ માટે 20 લાખ રૂપિયાનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો. પરંતુ કોન્ટ્રાક્ટર માંડલિયા મંડપ સર્વિસે 2.96 કરોડ રૂપિયાનું બિલ રજૂ કર્યુ હતું. કલેક્ટરે આ બિલ મંજૂર કરવા તૈયારી પણ દર્શાવી હતી. પણ મુખ્ય નિર્વાચન અધિકારીની નોટિસને પગલે બધુ અટકી પડ્યું હતું.’ જો કે, ગૃહમાં આ મામલે હોહા મચી હતી. વેલમાં આવીનો વિરોધ કરતા મેવાણીને એક દિવસ માટે સસ્પેન્ડ કરાયા હતાં.
ભ્રષ્ટ અધિકારીઓએ માનિતા કોન્ટ્રાક્ટરોને કોન્ટ્રાક્ટ આપી દીધા
લોકસભાની ચૂંટણી વખતે છોટા ઉદેપુર, ભરૂચ, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, ગાંધીનગર અને પંચમહાલ જિલ્લામાં ભ્રષ્ટ અધિકારીઓએ મનમાની કરીને માનિતા કોન્ટ્રાક્ટરોને કોન્ટ્રાક્ટ આપી દીધા હતાં. પ્રિન્ટીંગ સામગ્રી ખરીદવાની હોય કે પછી મત ગણતરી કેન્દ્ર પર મંડપ- ભોજન વ્યવસ્થા માટે ટેન્ડર વિના જ કોન્ટ્રાક્ટ આપી દેવાયા હતાં.
કોંગ્રેસ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ પુરાવા સાથે ગૃહમાં માહિતી રજૂ કરી કે, જામનગર જિલ્લામાં કાલાવાડમાં તો ચૂંટણી વખતે કારમાં રોજ 70 લિટરથી માંડીને 90 લિટર રોજ પેટ્રોલ પુરાવવામાં આવ્યું. આટલું ઈંધણ કેવી રીતે વપરાયુ એ જ સવાલ છે. ગાંધીનગરમાં તો એક ટેબલનું ભાડું 2565 રૂપિયા, જ્યારે મત ગણતરી કેન્દ્ર પર જાળીના 24 હજાર રૂપિયા આપી દેવાયાં હતાં.
પોરબંદર જિલ્લામાં લોકસભાની ચૂંટણી વખતે મંડપ બાંધવાનો કોન્ટ્રાક્ટ માંડલિયા મંડપ સર્વિસને અપાયો હતો. પંચે ખુલાસો પૂછતાં કોન્ટ્રાક્ટરને 57લાખ રૂપિયા આપવા તૈયારી દર્શાવાઈ હતી. તે વખતે નવાઈની વાત તો એ છે કે, 20 લાખ રૂપિયાના મંડપ માટે 2.96 કરોડ રૂપિયાનું બિલ મૂકનારાં કોન્ટ્રાક્ટરને ખુલાસો પૂછી કાર્યવાહી કરવાને બદલે પાલિકા-પંચાયતની ચૂંટણીમાં મંડપનો કોન્ટ્રાક્ટ આપી દેવાયો હતો.
પોરબંદરેમાં અધિકારીની કાર પર 6 હજાર રૂપિયાની સાયરનના 60 હજાર રૂપિયા ચૂકવી દેવાયાં છે. આ જ સ્થળે ચૂંટણી ઓર્બેઝવરના કપડાં ધોવાનો પણ 12 હજાર રૂપિયા ખર્ચ દર્શાવી દેવાયો હતો.
કોંગ્રેસ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ એવી માંગ કરીકે, તમામ બિલોની પુન ચકાસણી કરવી જોઈએ અને જવાબદાર અધિકારી અને કોન્ટ્રાક્ટર સામે પગલાં લેવા જોઈએ. ચૂંટણીના ખર્ચને લઈ મેવાણીએ વેલમાં આવી વિરોધ કર્યો હતો જેથી સંસદીય મંત્રીએ એવો મુદ્દો ઊઠાવ્યો કે, ચૂંટણી પંચ સ્વાયત સંસ્થા છે.
આ જોતાં મેવાણીના પ્રહારો કરતાં શબ્દો રેકર્ડ પર દૂર કરવા જોઈએ. આ ઉપરાંત ગૃહની કાર્યવાહીથી દૂર કરવાની માંગ કરતા મેવાણીએને એક દિવસ માટે સસ્પેન્ડ કરાયા હતાં. દરમિયાન મેવાણીએ કયા કયા જિલ્લામાં ચૂંટણી વખતે ગેરરીતિ થઈ તેની વિગતો જાહેર કરી પણ કોને કોન્ટ્રાક્ટ આપ્યો તેની માહિતી જ ન હતી.



