E Shram Portal : ઈ-શ્રમ પોર્ટલ પર 30 કરોડથી વધુ કામદારોની નોંધણી, 53% મહિલાઓએ નોંધાવ્યું નામ
E Shram Portal : શ્રમ અને રોજગાર મંત્રાલયે 26 ઓગસ્ટ, 2021ના રોજ ઇ-શ્રમ પોર્ટલ (eshram.gov.in) શરૂ કર્યું હતું. આ પોર્ટલનો મુખ્ય હેતુ અસંગઠિત ક્ષેત્રના કામદારો માટે એક રાષ્ટ્રીય ડેટાબેઝ બનાવવાનો અને તેમને વિવિધ સામાજિક સુરક્ષા યોજનાઓ સાથે જોડવાનો છે. કામદારોને યુનિવર્સલ એકાઉન્ટ નંબર (UAN) આપવામાં આવે છે, જેનાથી તેઓ સરકારની વિવિધ યોજનાઓનો લાભ મેળવી શકે.
3 માર્ચ, 2025 સુધીમાં, 30.68 કરોડથી વધુ અસંગઠિત કામદારો ઇ-શ્રમ પોર્ટલ પર નોંધાઈ ચૂક્યા છે, જેમાં 53.68% મહિલાઓનો સમાવેશ થાય છે.
2024માં સરકારે ઇ-શ્રમ પોર્ટલને ‘વન-સ્ટોપ સોલ્યુશન’ તરીકે વિકસાવ્યું છે, જેથી કામદારોને વિવિધ કલ્યાણકારી યોજનાઓ એક જ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ થાય. અત્યાર સુધીમાં 13 કેન્દ્ર સરકારની યોજનાઓ ઇ-શ્રમ સાથે સંકલિત કરવામાં આવી છે, જેમાં પીએમ-સ્વનિધિ, પીએમ સુરક્ષા વીમા યોજના, પીએમ જીવન જ્યોતિ વીમા યોજના, માનવ ગરીબી રાહત યોજના, મનરેગા, પીએમ આવાસ યોજના, અને આયુષ્માન ભારત સહિતની યોજનાઓનો સમાવેશ થાય છે.
2025માં મંત્રાલયે ઇ-શ્રમ પોર્ટલને 22 ભારતીય ભાષાઓમાં કાર્યરત બનાવ્યું છે, જેથી કામદારો માટે સરળતા વધે. ઉપરાંત, 24 ફેબ્રુઆરી, 2025ના રોજ ઇ-શ્રમની મોબાઈલ એપ લોન્ચ કરવામાં આવી, જે થકી કામદારો તેમના લાભો રિયલ ટાઈમમાં જોઈ શકે.
કામદારોમાં જાગૃતિ ફેલાવવા માટે મંત્રાલયે વિવિધ પગલાં લીધાં છે, જેમ કે:
રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશો સાથે સમીક્ષા બેઠક
કોમન સર્વિસ સેન્ટર (CSC) દ્વારા જાગૃતિ ઝુંબેશ
પોર્ટલને રાષ્ટ્રીય કારકિર્દી સેવા (NCS) અને સ્કિલ ઇન્ડિયા ડિજિટલ પોર્ટલ સાથે જોડવું
પ્રધાનમંત્રી શ્રમ યોગી માનદાન (PMSYM) યોજના સાથે ઇ-શ્રમનું સંકલન
માયસ્કીમ પોર્ટલ સાથે જોડાણ દ્વારા વિવિધ યોજનાઓની માહિતી
SMS અને સોશિયલ મીડિયા દ્વારા જાગૃતિ વધારવી
ઉમંગ (UMANG) એપમાં ઇ-શ્રમનું એકીકરણ, જેથી કામદારો તેમના મોબાઈલથી સરળતાથી રજીસ્ટ્રેશન અને અપડેટ કરી શકે.
કેન્દ્રીય શ્રમ અને રોજગાર રાજ્ય મંત્રી સુશ્રી શોભા કરંદલાજેએ લોકસભામાં એક લેખિત જવાબ દ્વારા આ માહિતી આપી હતી.



