Amit Shah Announcement : દિવ્યાંગ ખેલાડીઓ માટે અમિત શાહની મોટી જાહેરાત, જાણો શું મળશે લાભ!
Amit Shah Announcement : ગાંધીનગર ખાતે રૂ. 316.82 કરોડના ખર્ચે નિર્માણ પામનારા ‘પેરા હાઈ પરફોર્મન્સ સેન્ટર’નું વર્ચ્યુઅલ ભૂમિપૂજન કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં કર્યું. મહાત્મા મંદિર, ગાંધીનગરમાં આયોજિત આ સમારંભ દરમિયાન રાજ્યમાં નાગરિકલક્ષી ડિજિટલ સેવાઓને વિસ્તૃત કરવા માટે ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ અને ભારત સરકારના કોમન સર્વિસ સેન્ટર (CSC) વચ્ચે સમજૂતી કરાર (MoU) કરવામાં આવ્યા.
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે હાજર ખેલાડીઓના ઉત્સાહને વધારતા જણાવ્યું કે ગુજરાતમાં દિવ્યાંગ એથ્લેટ્સ માટે આંતરરાષ્ટ્રીય સ્તરની સુવિધાઓ સાથેનું ‘પેરા હાઈ પરફોર્મન્સ સેન્ટર’ સ્થાપિત થશે. આ કેન્દ્ર દિવ્યાંગ ખેલાડીઓને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ માટે શ્રેષ્ઠ તાલીમ આપશે. ગુજરાતમાં રમતોના વિકાસ અને દિવ્યાંગજનો માટેના માળખાકીય સુધારા માટે આ કેન્દ્ર મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
અમિત શાહે ઉમેર્યું કે પહેલાં દિવ્યાંગજનો માટે સમાજમાં અયોગ્ય શબ્દો વપરાતા હતા, જેનાથી તેઓ લઘુતાગ્રંથિ અનુભવે. પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘દિવ્યાંગ’ જેવો સન્માનજનક શબ્દ આપી તેમની અંદર આત્મવિશ્વાસ ભરી દીધો છે. જેના પરિણામે, આજે ભારતમાં દિવ્યાંગજનો વિવિધ ક્ષેત્રોમાં ઉત્તમ પ્રદર્શન કરી રહ્યા છે.
તેમણે વધુમાં કહ્યું કે ભગવાન જ્યારે કોઈ વ્યક્તિને કોઈ શારીરિક અછત આપે છે, ત્યારે તેની સામે એક અનોખી શક્તિ પણ આપે છે. આ જ વિચારધારા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિવ્યાંગજનોને પ્રોત્સાહિત કરવા અનેક યોજનાઓ શરૂ કરી છે. આ પરફોર્મન્સ સેન્ટર દિવ્યાંગ ખેલાડીઓની તાલીમ અને પ્રેક્ટિસને વધુ સશક્ત બનાવશે.
કેન્દ્રીય મંત્રી અમિત શાહે વધુમાં જણાવ્યું કે ‘સ્પોર્ટ્સ ફોર ઓલ’ના વિઝન અંતર્ગત ગુજરાત સરકારે રમતગમત માટે અનેક મહત્ત્વપૂર્ણ પગલાં લીધાં છે. ગુજરાતમાં રમતગમતનું બજેટ 2002માં માત્ર 2 કરોડ રૂપિયા હતું, જે હવે વધીને 352 કરોડ રૂપિયા થયું છે. આ રાજ્યની રમતગમત પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમની બાજુમાં, સરદાર પટેલ સ્પોર્ટ્સ સંકુલમાં 10 મોટા સ્ટેડિયમ બનાવવાની યોજના છે. 2036ના ઓલિમ્પિક રમતોનું આયોજન ભારતે અહીં કરવા માટે સંકલ્પ કર્યો છે અને આ દિશામાં તૈયારીઓ પહેલાથી જ શરૂ થઈ ગઈ છે. અમિત શાહે જણાવ્યું કે ગુજરાત દેશમાં રમતગમતના માળખાકીય વિકાસમાં અગ્રેસર બન્યું છે અને આ તરફ વધુ ઝડપી પગલાં ભરાશે.



