Sudhanshu Trivedi Gujarat Visit : ભાજપના ફાયરબ્રાન્ડ નેતા સુધાંશુ ત્રિવેદી ગુજરાતના પ્રવાસે, રાહુલ ગાંધી અને કોંગ્રેસ પર તીક્ષ્ણ પ્રહારો
Sudhanshu Trivedi Gujarat Visit : ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સુધાંશુ ત્રિવેદી ગુજરાતની મુલાકાતે પહોંચ્યા, જ્યાં તેમણે ગાંધીનગરના કમલમ ખાતે પત્રકાર પરિષદ યોજી. આ દરમિયાન તેમણે રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસ અને 2027માં કોંગ્રેસ સરકાર લાવવાના દાવા પર સખત પ્રહારો કર્યા.
સુધાંશુ ત્રિવેદીએ જણાવ્યું કે, “ભાજપ આજે ટોચ પર છે અને કોંગ્રેસ સતત નીચે જતી રહે છે. 73 વર્ષનો રાજકીય ઇતિહાસ સૌની સામે છે.” તેમણે રાહુલ ગાંધીના દાવા પર શાયરાના અંદાજમાં પ્રહારો કરતાં કહ્યું, “ગાલિબ, સબકો પતા હૈ જન્નત કી હકીકત ક્યા હૈ.”
કોંગ્રેસના નેતાઓના નિવેદનો પર પ્રહાર કરતા તેમણે મધુસુદન મિસ્ત્રીના નિવેદન “હમ ઉનકો ઓકાત દિખા દેંગે” અને સોનિયા ગાંધીના નિવેદનનો ઉલ્લેખ કર્યો. મમતા બેનર્જી પર પણ નિશાન સાધતાં તેમણે જણાવ્યું કે, “પ્રયાગરાજ કુંભની સફળતા છતાં, મમતા બેનર્જી તેને યુપીની ચૂંટણી માટે દેખાડો ગણાવે છે.”
ગુજરાત યુનિવર્સિટીએ આયોજિત ‘વન નેશન, વન ઇલેક્શન’ અંગેની ચર્ચામાં હાજરી આપતા ત્રિવેદીએ જણાવ્યું કે, “જે લોકો આ વિચારનો વિરોધ કરે છે, તેઓ રાષ્ટ્રની શક્તિને કમજોર કરવા ઈચ્છે છે.” તેમણે ચૂંટણીને લોકશાહીના પર્વ સાથે સરખાવતાં કહ્યું, “ચૂંટણી હૃદયના ધબકારા જેવી છે, જે અનિયમિત થાય તો લોકતંત્ર માટે ખતરો છે.”
આગળ તેઓએ કહ્યું કે, “મુદ્રા યોજના અને ડિજિટલાઈઝેશન અંગે કોંગ્રેસે શંકા વ્યક્ત કરી હતી, GST પર પણ વિરોધ કર્યો હતો. ‘વન નેશન, વન ઇલેક્શન’ દેશની વ્યવસ્થાને વધુ મજબૂત બનાવશે અને ચૂંટણી ખર્ચમાં ઘટાડો લાવશે.”
સુધાંશુ ત્રિવેદીના આ નિવેદનો ગુજરાતની રાજકીય ગતિવિધિઓમાં નવા પડકારો ઉભા કરી શકે છે.



