International Women Day: ગુજરાતમાં ‘લખપતિ દીદી સંમેલન’ અને નવી યોજનાઓ લોંચ
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 2025ની ઉજવણી ગુજરાતમાં વિશિષ્ટ રીતે કરવામાં આવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 7 અને 8 માર્ચના રોજ ગુજરાતના નવસારી જિલ્લામાં મુલાકાત લેશે. 8 માર્ચના રોજ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ‘લખપતિ દીદી સંમેલન’નું ઉદ્દઘાટન કરશે, જેમાં નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લાના 1 લાખથી વધુ મહિલાઓ ભાગ લેશે.
આ કાર્યક્રમના ભાગરૂપે, 25 હજારથી વધુ સ્વસહાય જૂથોની મહિલાઓને ₹450 કરોડથી વધુની નાણાંકીય સહાય આપવામાં આવશે. વડાપ્રધાન મોદી દ્વારા 15 ઓગષ્ટ 2023ના રોજ ‘લખપતિ દીદી યોજના’નો આરંભ કરાયો હતો. આ યોજના હેઠળ, તે મહિલાઓનો સમાવેશ થાય છે, જેમણે કૃષિ, પશુપાલન અને લઘુ ઉદ્યોગ જેવા ક્ષેત્રોમાંથી માસિક ₹10,000 કે તેથી વધુની આવક મેળવવી શરૂ કરી છે.
‘લખપતિ દીદી’ સંમેલનમાં, 10 લખપતિ દીદીઓ સાથે સંવાદ કરવામાં આવશે અને 5 ખાસ મહિલાઓને પ્રશંસા આપવામાં આવશે. આ પ્રોગ્રામ દરમિયાન, ‘લખપતિ દીદી’ યોજનાની સફળતા દર્શાવતી એક ફિલ્મ પણ પ્રદર્શિત કરવામાં આવશે.
‘જી-સફલ’ અને ‘જી-મૈત્રી’ યોજનાઓ લોંચ
આ દરમિયાન, ગુજરાત સરકારે બે મહત્વપૂર્ણ યોજનાઓ લોંચ કરવાનું નિર્ધારણ કર્યું છે.
- જી-સફલ (G-SAFAL): આ યોજના અંત્યોદય પરિવારોની સ્વસહાય જૂથોની મહિલાઓને નાણાંકીય સહાય અને વ્યવસાયિક તાલીમ આપશે. આ યોજના હેઠળ, 50,000 મહિલાઓને ₹500 કરોડની સહાય આપવામાં આવશે. દરેક મહિલાને ₹1 લાખ સહાય અને કુશળતા વધારવા માટે તાલીમ આપવામાં આવશે.
- જી-મૈત્રી (G-MAITRI): આ યોજના ગ્રામીણ વિસ્તારમાં સ્ટાર્ટઅપ્સને સપોર્ટ આપશે, તેમજ 10 લાખ થી વધુ મહિલાઓ અને યુવાનોને આજીવિકાને મજબૂત બનાવવા માટે કાર્યરત રહેશે. આ યોજના હેઠળ, 150થી વધુ સ્ટાર્ટઅપ્સને સહાય આપવામાં આવશે.
આ બંને યોજનાઓના માધ્યમથી, રાજ્યમાં લોકોની આજીવિકા વધારવાનો અને મહિલા સશક્તિકરણ માટે નોંધપાત્ર પ્રયાસો કરવામાં આવશે.