Gujarat University : ગુજરાત યુનિવર્સિટીમાં મોટો ફેરફાર: હવે વિદ્યાર્થીઓ એક સાથે બે ડિગ્રી કોર્સ કરી શકશે!
Gujarat University : ગુજરાત યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર છે. રાજ્યની સૌથી મોટી યુનિવર્સિટી એવી ગુજરાત યુનિવર્સિટી આગામી સત્રથી ડ્યુઅલ ડિગ્રી કોર્સ લોન્ચ કરવા જઈ રહી છે. એટલે કે વિદ્યાર્થીઓ એક સાથે બે ડિગ્રી મેળવી શકશે. વિદ્યાર્થીઓ પોતાના રસના વિષય એક સાથે ભણી શકે તે માટે ગુજરાત યુનિવર્સિટી ડ્યુઅલ ડિગ્રી કોર્સ શરૂ કરવા જઈ રહી છે. આ વસ્તુથી જે વિદ્યાર્થીઓ એક કરતાં વધારે ફિલ્ડમાં રસ છે અને તેઓ તે કોર્સ કરવા ઈચ્છે છે તેવા વિદ્યાર્થીઓને ખાસ ફાયદો થઈ શકે છે.
રાજ્યની સૌથી મોટી ગુજરાત યુનિવર્સિટી આવનારા સત્રથી ડ્યુઅલ ડિગ્રીના કોર્સ શરૂ કરશે. ડ્યુઅલ ડિગ્રી લોન્ચિંગ માટે આજે ગુજરાત યુનિવર્સિટીના સેનેટ હોલમાં ડિગ્રી અંગેના કોર્સના પરિચય અને આયોજન અંગે બેઠક મળી હતી. જેમાં ગુજરાત યુનિવર્સિટીના જુદી જુદી કોલેજના પ્રિન્સિપાલ અને અધ્યાપકો ઉપસ્થિત રહ્યા હતા. આવનારા શૈક્ષણિક સત્રથી વિદ્યાર્થીઓ એક સાથે બે ડિગ્રીનો અભ્યાસક્રમ કરી શકશે.
વિદ્યાર્થીઓ પોતાના રસના વિષયમાં વધુ અભ્યાસ કરી શકે તે માટે આર્ટસ, કોમર્સ, સાયન્સ, બીએસ ઇન એડમિનિસ્ટ્રેશન, બીએસ ઇન કોમ્પ્યુટર સાયન્સ જેવી વિદ્યાશાખામાં ડ્યુઅલ ડિગ્રીના પ્રોગ્રામ મંજૂર કરેલ છે. સાયબર સિક્યુરિટી, એવિએશન, ફૂડ સાયન્સ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, એન્વાયરમેન્ટ એન્ડ સસ્ટેનેબિલિટી, હોસ્પિટલ મેનેજમેન્ટ એમ અલગ અલગ કુલ 25 જેટલા કોર્સ વિદ્યાર્થીઓ કરી શકશે. વિદ્યાર્થીઓ સામાન્ય કોર્સ બીએ, બી.કોમ, બી.એસસી. સાથે સાથે ત્રણ વર્ષ સુધીનો ડ્યુઅલ ડિગ્રીનો અલગ અલગ 25 જેટલા કોર્સનો અભ્યાસ પણ કરી શકશે.
આ તમામ કોર્સ ગુજરાત યુનિવર્સિટીના અલગ અલગ વિભાગમાં જ શરૂ કરવામાં આવશે. જેથી વિદ્યાર્થીઓ બંને કોર્સની પરીક્ષાઓ આપી શકશે. આ અંગે ગુજરાત યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર ડો. નિરજા ગુપ્તાએ જણાવ્યું હતું કે, “આનાથી વિદ્યાર્થીઓને ડ્યુઅલ ડિગ્રીનો ફાયદો થશે અને એક જ સમયે બે કોર્સ સાથે ભણી શકશે જેનાથી તેમને બીજા કોર્સ માટે રાહ જોવી પડશે નહીં. જે વિદ્યાર્થીઓ PGનો અભ્યાસ કરતા હોય તેઓ સાથે UGનો પણ અભ્યાસ કરી શકશે. તમામ કોર્સ યુનિવર્સિટીના કેમ્પસમાં ચાલશે જેથી એક્ઝામ કેલેન્ડરને ધ્યાનમાં રાખીને પરીક્ષા યોજવામાં આવશે જેથી વિદ્યાર્થીઓને કોઈ મુશ્કેલી ન પડે.”



