Jamnagar Vantara : જામનગર વનતારા: પીએમ મોદીનો અનોખો અંદાજ, સિંહ-દીપડાંના બચ્ચાંને પીવડાવ્યું દૂધ
Jamnagar Vantara : ગુજરાતના જામનગરમાં આવેલું વનતારા 2000થી વધુ પ્રજાતિઓ અને 1.5 લાખથી વધુ બચાવવામાં આવેલા અને સંભાળવામાં આવેલા પ્રાણીઓનું આશરો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વનતારાની મુલાકાત લીધી અને ત્યાં પુનઃવસવાટ કરાયેલા વિવિધ પ્રાણીઓની મુલાકાત લીધી. તેમણે વનતારા સ્થિત વન્યજીવ હોસ્પિટલનું નિરીક્ષણ કર્યું અને પશુ ચિકિત્સા સુવિધાઓ વિશે વિગતવાર જાણકારી મેળવી.
આ હોસ્પિટલમાં વન્યજીવ માટે એનેસ્થેસિયા, કાર્ડિયોલોજી, નેફ્રોલોજી, એન્ડોસ્કોપી, દંત ચિકિત્સા અને આંતરિક ચિકિત્સા જેવી અનેક તબીબી સુવિધાઓ ઉપલબ્ધ છે. પ્રધાનમંત્રીએ અહીં વિવિધ પ્રાણીઓ અને પક્ષીઓ સાથે સમય વિતાવ્યો અને તેમને ખોરાક પણ આપ્યું. તેમાં એશિયાટિક સિંહના બચ્ચા, એક સફેદ સિંહનું બાળક, એક ક્લાઉડેડ ચિત્તાનું દુર્લભ બચ્ચું અને એક કારાકલના બચ્ચાંનો સમાવેશ થાય છે. ખાસ વાત એ છે કે, પ્રધાનમંત્રીએ જે સફેદ સિંહના બાળકને ભોજન કરાવ્યું હતું, તેનો જન્મ વનતારા કેન્દ્રમાં થયો હતો.
વાઈલ્ડલાઈફ હોસ્પિટલમાં PM મોદીએ એમઆરઆઈ વિભાગની મુલાકાત લીધી, જ્યાં તેમણે એક એશિયાટિક સિંહના એમઆરઆઈ રિપોર્ટને નિહાળ્યો. તેમજ ઓપરેશન થિયેટરમાં જઈને એક ઈજાગ્રસ્ત ચિત્તાની સર્જરી પણ જોઈ, જે રાજમાર્ગ પર અકસ્માતમાં ઘવાઈ ગયો હતો. વનતારામાં બચાવવામાં આવેલા પ્રાણીઓને પ્રાકૃતિક માહોલમાં રાખવા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. સંરક્ષણ કાર્યક્રમોમાં મુખ્યત્વે એશિયાટિક સિંહ, હિમાલયન ચિત્તા અને એક શિંગડાવાળા ગેંડાની સંભાળ લેવામાં આવે છે. પીએમ મોદીએ અહીં ગોલ્ડન ટાઈગર, ચાર સ્નો ટાઈગર્સ, સફેદ સિંહ અને એક સ્નો ચિત્તા સાથે પણ નજીકથી મુલાકાત લીધી.
પીએમ મોદીએ ખુલ્લા વાતાવરણમાં ચિમ્પાન્ઝી સાથે ગળે મળ્યા અને ઓરંગુટાન સાથે રમ્યા, જે પહેલા અનુકૂળ સ્થાને ન રહેતા હતા. તેમણે એક ગેંડાના બચ્ચાને ખોરાક આપ્યું, જે માતાના મૃત્યુ બાદ અનાથ થયું હતું. વનતારામાં પીએમ મોદીએ એક વિશાળ અજગર, બે માથાવાળો સાપ અને કાચબો, તાપીર, જાયન્ટ ઓટર, બોંગો અને સીલને પણ નજીકથી જોયા. હાથીઓ માટે ખાસ ડિઝાઇન કરાયેલા હાઈડ્રોથેરાપી પૂલની મુલાકાત પણ લીધી, જે હાથીઓ માટે સંધિવા અને પગની તકલીફમાં મદદરૂપ છે.
PM મોદીએ વિશ્વની સૌથી મોટી હાથી હોસ્પિટલની મુલાકાત લીધી, જ્યાં તેમણે હાથી માટેની તબીબી સારવારની પ્રક્રિયાને નજીકથી નિહાળી. તેમણે ત્યાં બચાવવામાં આવેલા પોપટોને મુક્ત કર્યા. વનતારાની મુલાકાત દરમિયાન વડાપ્રધાને તબીબી સ્ટાફ અને સંચાલકો સાથે ચર્ચા કરી અને પ્રાણીઓની સંભાળની કામગીરીને બિરદાવી. આખરે, PM મોદીએ वનતારાની સેવા અને પ્રાણીઓ માટેની સંભાળની જાગૃતિને ખૂબ જ પ્રશંસનીય ગણાવી.

