Valsad વલસાડ જિલ્લો પ્રાકૃતિક ખેતીના પંથે, રવિ ઋતુના ચાર માસમાં ૨૭૭૮૨ ખેડૂતોને તાલીમબધ્ધ કરાયા
જિલ્લામાં ૨૧૭૭૩ એકર જમીન વિસ્તારમાં ૨૧૩૮૪ ખેડૂતો હાલમાં પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે
સૌથી વધુ કપરાડા તાલુકામાં ૭૫૨૧ ખેડૂતો ૭૭૨૩ એકર જમીન વિસ્તારમાં પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે
આત્મા પ્રોજેક્ટ દ્વારા અપાતી તાલીમથી ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યા છે
પ્રાકૃતિક ખેતીને વધુ વેગવંતી બનાવવા બજેટમાં પણ રૂ. ૪૦૦ કરોડની જોગવાઈ કરાઈ
Valsad કુદરતની દેન સમાન અને પરોપરકારી ગણાતી પ્રાકૃતિક ખેતીનો વ્યાપ સમગ્ર વલસાડ જિલ્લામાં વધે તે માટે આત્મા પ્રોજેક્ટ દ્વારા ગામે ગામ ખેડૂતોને તાલીમ આપવામાં આવી રહી છે. દરેક ખેડૂત સુધી પહોંચવા માટે જિલ્લાના વિવિધ ગામડાઓને સાંકળી લઈ પ્રાકૃતિક ખેતીના પ્રચાર અર્થે ૭૯ ક્લસ્ટર બનાવી ખેડૂતોને તાલીમ આપવામાં આવી રહી છે, જે અંતર્ગત રવિ ઋતુ દરમિયાન ૧૦૭૧ તાલીમમાં ૨૭,૭૮૨ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની માહિતી આપવામાં આવી હતી. જિલ્લામાં અત્યાર સુધીમાં ૨૧૩૮૪ ખેડૂતો ૨૧૭૭૩ એકર જમીન વિસ્તારમાં પ્રાકૃતિક ખેતી કરતા થયા છે. સૌથી વધુ કપરાડા તાલુકામાં ૭૫૨૧ ખેડૂતો ૭૭૨૩ એકર જમીન વિસ્તારમાં પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે.
વલસાડ જિલ્લાના આત્મા પ્રોજેક્ટના ડાયરેકટર ડી.એન.પટેલે જણાવ્યું કે, જિલ્લાના દરેક ગામમાં ખેડૂતને તાલીમ આપવામાં આવે છે. એક પણ ખેડૂત તાલીમથી વંચિત ન રહી જાય તે માટે તાલુકા સંયોજક દ્વારા ગામે ગામે કિસાન ગોષ્ઠી કરી ખેડૂતો સુધી પહોંચવામાં આવે છે. આ તાલીમમાં પ્રાકૃતિક ખેતીના તમામ આયામો વિશે માહિતી આપવામાં આવે છે. આ સિવાય વિષય તજજ્ઞો દ્વારા ખેડૂતોને શરૂઆતમાં પ્રાકૃતિક ખેતીમાં જે પણ મુશ્કેલીઓ પડતી હોય તેવા પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવે છે.

આ તાલીમ દ્વારા જિલ્લામાં દિવસે દિવસે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. જમીનની ફળદ્રુપતા, માનવ સ્વાસ્થ્ય અને પર્યાવરણની જાળવણી સાથે ઉપભોક્તાઓને રસાયણ મુકત આહાર મળી રહે તે માટે પ્રાકૃતિક કૃષિ અપનાવવી એ આજના સમયની માંગ છે એવી સમજ ખેડૂત મિત્રોને આપવામાં આવે છે. વલસાડ જિલ્લાનો પ્રત્યેક ખેડૂત રાસાયણિક ખેતી છોડીને ધીમે ધીમે પ્રાકૃતિક કૃષિ અપનાવી રહ્યો છે એ આનંદની વાત છે.

જિલ્લાના આત્મા પ્રોજેક્ટના ડેપ્યુટી ડાયરેકટર વિમલભાઈ પટેલે જણાવ્યું કે, દરેક તાલીમમાં અંદાજે ૨૫ જેટલા ખેડૂતોને પધ્ધતિસર તાલીમ આપવામાં આવે છે. હાલમાં જ રવિ ઋતુ દરમિયાન નવેમ્બર- ૨૦૨૪ થી અત્યાર સુધી ચાલુ ફેબ્રુઆરી માસમાં કુલ ૧૦૭૧ તાલીમ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં જિલ્લાના ૨૭૭૮૨ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની તાલીમ આપવામાં આવી છે. આ તાલીમ ટેક્નિકલ માસ્ટર ટ્રેનર (આત્મા સ્ટાફ અને ગ્રામ સેવક) તેમજ ફાર્મર માસ્ટર ટ્રેનર(પ્રગતિશીલ ખેડૂત) દ્વારા આપવામાં આવે છે. પ્રાકૃતિક ખેતી દ્વારા ઉત્પાદિત કૃષિ પેદાશોની એટલી બધી ડિમાન્ડ છે કે, ખેડૂતના ઘર બેઠા જ બધી ખેત પેદાશ વેચાય જાય છે.
આ સિવાય પારડી ખાતે આત્મા કચેરીના પ્રાંગણમાં ખેડૂતો પોતાની ખેત પેદાશ વેચી શકે તે માટે વેચાણની સુદ્રઢ વ્યવસ્થા ગોઠવી છે. રાજ્ય સરકાર દ્વારા બજેટમાં પણ પ્રાકૃતિક ખેતીના અભિયાનને વધુ વેગવાન બનાવવા માટે વિવિધ પ્રવૃત્તિના આયોજન માટે રૂ. ૪૦૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. જેથી આગામી દિવસોમાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને વધુ મદદરૂપ થઈ શકાશે.
ખાસ લેખઃ જિજ્ઞેશ સોલંકી



