Sindoor Forest: અમિત શાહના મતવિસ્તારમાં 12,000 વૃક્ષોનું વન: ઓપરેશન સિંદૂરને પર્યાવરણની ભેટ
Sindoor Forest: પહલગામમાં થયેલા આતંકી હુમલાને જવાબ રૂપે ભારત દ્વારા અમલમાં મુકાયેલ ‘ઓપરેશન સિંદૂર’ હવે માત્ર રણનીતિક જીત પૂરતું નહિ રહ્યું. આ શૌર્ય ગાથાને યાદગાર બનાવતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)એ ‘સિંદૂર ફોરેસ્ટ’ નામનું વિશાળ ઓક્સિજન પાર્ક ઊભું કરવાની જાહેરાત કરી છે.
વિશેષતા એ છે કે આ વન ગૃહમંત્રી અમિત શાહના લોકસભા વિસ્તાર અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વિધાનસભા વિસ્તાર—ઘાટલોડિયા—માં આવેલ છે. આવતી 5મી જૂનના વિશ્વ પર્યાવરણ દિવસના અવસરે AMC દ્વારા 40 લાખ છોડ વાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

સિંધુર ફોરેસ્ટ: ધરતી પર હરિત શ્રદ્ધાંજલિ
ચાંદલોડિયા વોર્ડમાં આવેલા એક 5,000 ચોરસ મીટરના ખાલી પ્લોટ પર, જાહેર-ખાનગી ભાગીદારી (PPP) મોડલ હેઠળ આ ફોરેસ્ટ બનાવાશે. આ વનનું વિશિષ્ટ સ્થાન એ છે કે અહીં 551 સિંદૂર વૃક્ષો ઉગાડવામાં આવશે—જેના આધારે ફોરેસ્ટનું નામ રાખવામાં આવ્યું છે.
12,000 છોડ સાથે
આ પાર્કમાં કુલ 12 હજારથી વધુ છોડ ઉગાડવામાં આવશે જેમાં મિયાવાકી ટેકનિક દ્વારા વિવિધ જાતિના મૂળ સ્થાનિક છોડનો સમાવેશ કરાશે. મિયાવાકી પદ્ધતિ કારણે અહીં જંગલ ઝડપથી ઉગશે અને શહેરી વિસ્તાર માટે અત્યંત લાભદાયી સાબિત થશે.

સ્વૈચ્છિક ભાગીદારી અને સમર્પણ
આ પાર્કનું નિર્માણ અને જાળવણી સમસ્ત વૈષ્ણવ વણિક પરિવાર (SVVP) દ્વારા કરવામાં આવશે. AMC તરફથી ખુલાસો કરવામાં આવ્યો છે કે SVVP પોતાની જવાબદારીના ભાગરૂપે આ સંપૂર્ણ પ્રોજેક્ટને ઉત્સાહપૂર્વક આગળ ધપાવશે અને આગામી પાંચ વર્ષ સુધી તેની દૈનિક દેખરેખ અને જાળવણી પણ સંભાળશે.
સિંદૂર વન માત્ર એક પર્યાવરણલક્ષી પહેલ નથી, પણ એ શૌર્ય, સંસ્કાર અને સ્વાભિમાનનું પ્રતિક છે. ઓપરેશન સિંદૂરની યાદમાં ઉગાડાતા આ વૃક્ષો દેશભક્તિના ભાવને અનન્ય રીતે જીવંત રાખશે.



