NEET exam scam: પુત્રને ડોક્ટર બનાવવાનું સ્વપ્ન તો હતું, NEET કૌભાંડમાં ઉડી ગયા લાખો!
NEET exam scam: રાજકોટના જેતપુરના એક શ્રમિક પિતાએ પોતાના દીકરાના ભવિષ્ય માટે તેને MBBSમાં પ્રવેશ મળે એ હેતુથી 30 લાખ રૂપિયા ચૂકવ્યા હતા. આ પૈસા તેમણે એ વ્યક્તીને આપ્યા હતા જેમણે વધુ માર્ક્સ અપાવવાનો દાવો કર્યો હતો. પરંતુ પરીક્ષાના પરિણામ બાદ જ્યારે દાવાની પક્કડ ન રહી ત્યારે તેઓને છેતરાયાનો અહેસાસ થયો અને છેલ્લે પોલીસનો દરવાજો ખખડાવવો પડ્યો.
શ્રમિક પિતાએ દીકરાના ભવિષ્ય માટે સપનાઓ સાથે ભરેલા હતા 30 લાખ
શ્રમિક તરીકે કામ કરતા તુષાર વેકરીયાએ તેમના દીકરાને ડોક્ટર બનાવવા માટે ઘણા વર્ષોથી મહેનત કરી હતી. 2024ની NEET પરીક્ષા માટે તેમનો દીકરો તૈયાર હતો, પરંતુ વધુ માર્ક્સ મળે એ આશાએ તેમણે રોયલ એકેડમીના રાજેશ પેથાણી સંપર્ક કર્યો. પેથાણીએ તેમને આશ્વાસન આપ્યું કે પોતાને જાણીતો વ્યક્તિ ધવલ સંઘવી વધુ માર્ક્સ અપાવવાનું કામ કરે છે.
60 લાખની ડીલ 30 લાખમાં નક્કી થઈ
શરૂઆતમાં તેઓ પાસેથી 60 લાખની માંગણી કરાઈ, પરંતુ અંતે 30 લાખમાં ડીલ નક્કી થઈ. તુષારભાઈએ એપ્રિલ 2024માં પ્રથમ 10 લાખ અને બાદમાં વધુ 20 લાખ રૂપિયા આપી દીધા. પુત્રનું પરીક્ષા સેન્ટર કર્ણાટકના બેલગાવમાં આવ્યું, પરંતુ પિતાને શંકા જતાં દીકરાએ પોતાની રીતે જ પરીક્ષા આપી હતી. પરિણામમાં માત્ર 460 માર્ક્સ જ મળતાં છેતરાવાની ખબર પડી.

પૈસા પરત માગતાં આરોપીઓ એકબીજાની સામે દાવો કરવા લાગ્યા
પિતાએ જ્યારે પૈસા પરત માંગ્યા ત્યારે રાજેશ પેથાણીએ કહ્યું કે તે પૈસા ધવલને આપ્યા છે. ધવલે કહ્યું કે તે પૈસા વિપુલ અને પ્રકાશ તેરૈયા પાસે ગયા છે, અને અંતે મનજીત જૈન નામના કર્ણાટકના વ્યક્તિનો ઉલ્લેખ થયો કે પૈસા હવે તેની પાસે છે. દરેક વ્યક્તિ એકબીજા પર જવાબદારી નાખવા લાગ્યા અને અંતે કોઈપણ પૈસા પરત ન આપ્યું.
પોલીસ ફરિયાદ થયા બાદ એકની ધરપકડ, વધુ તપાસ ચાલુ
તુષારભાઈએ હાર માનીને રાજકોટ ક્રાઈમ બ્રાન્ચમાં 5 મે 2025ના રોજ ફરિયાદ નોંધાવી. પોલીસે IPC 420 અને 120(બી) હેઠળ ગુનો નોંધ્યો છે. અત્યાર સુધી વિપુલ તેરૈયાની ધરપકડ થઈ છે અને અન્ય ચાર આરોપીઓની શોધખોળ ચાલુ છે. પોલીસનું કહેવું છે કે અન્ય રાજ્યો સુધી માફિયાનું નેટવર્ક કાર્યરત હોવાનું પ્રાથમિક અંદાજ છે.
રોયલ એકેડમીના સંચાલકનો ઇન્કાર
રોયલ એકેડમીના એકેડેમિક સંચાલક એમ.બી. ઘોણીયાએ જણાવ્યું કે સમગ્ર સંસ્થા સીસીટીવી હેઠળ કાર્યરત છે અને આવી કોઈ ઘટના તેમની જાણમાં નથી. પોલીસે પુરાવા માંગશે તો સંપૂર્ણ સહકાર આપવાનું વચન પણ આપ્યું છે.
NEET જેવી રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાત્મક પરીક્ષામાં પણ ‘માર્ક્સ અપાવવાની’ ભ્રામક વચનો આપી આર્થિક છેતરપિંડીનું નેટવર્ક પ્રવર્તી રહ્યું છે. શિષ્ય અને વાલીઓએ પોતાની મહેનત અને કાયદેસર માર્ગ અપનાવવો જોઈએ અને આવા ખોટા લાલચમાં ન આવવું જોઈએ.



