Surat Fake Doctors: સુરતમાં બે ધો.10 પાસ બોગસ ડોક્ટર ઝડપાયા, લોકોના જીવન સાથે રમતા હતા ભયંકર ખેલ
Surat Fake Doctors: સુરત પુણા વિસ્તારમાંથી ધોરણ 10 પાસ અને ડોક્ટર ડિગ્રી વિના દર્દીઓની સારવાર કરનારા બે શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા છે. બંને વ્યક્તિઓ છેલ્લા 10થી 12 વર્ષથી ખોટી રીતે ડોક્ટરી કરી રહ્યાં હતાં.
ડીગ્રી વિના દર્દીઓની સારવાર
ઝોન-1 એલસીબીની ટીમને માહિતી મળી હતી કે પુણા વિસ્તારની ઝૂંપડપટ્ટી વિસ્તારમાં બે શખ્સો ડીગ્રી વિના ડોક્ટરી કરી રહ્યાં છે. પોલીસે તુરંત આરોગ્ય વિભાગની મદદથી રેડ પાડી અને બંનેને ઝડપી લીધા. ડીસીપી આલોક કુમાર મુજબ, તેઓની પાસે કોઈપણ માન્ય લાયસન્સ કે ડોક્ટરડની ડિગ્રી નહોતી.

દવાઓ અને સાધનો મળ્યા
પોલીસે જણાવ્યું કે બોગસ ડોક્ટરોના કબ્જામાંથી અનેક પ્રકારની દવાઓ, ઇન્જેક્શન, સીરપ, સર્જરી કીટ, સ્લાઈન્સ બોટલ અને ટેબ્લેટ્સ મળી આવ્યા છે. કુલ મળેલ મુદામાલની કિંમત લગભગ ₹38,000 જેટલી છે. આ સાધનોથી સ્પષ્ટ થાય છે કે તેઓ ગંભીર રીતે બીમાર દર્દીઓની સારવાર કરતા હતા, જેને લીધે લોકોના જીવન સાથે ગંભીર ખિલવાડ થયો છે.
આરોપીઓ પશ્ચિમ બંગાળ અને યુપીના વતની
પકડાયેલા શખ્સોમાં એકનું નામ પ્રશાંત માલકર છે, જે પશ્ચિમ બંગાળનો છે, જ્યારે બીજાનો નામ તેજબહાદુર નિશાદ છે, જે ઉત્તરપ્રદેશનો રહેવાસી છે. એક વ્યક્તિ ઉમરવાડાની આશા નગર ઝૂંપડપટ્ટીમાં તો બીજો રાજીવનગર વિસ્તારમાં ખોટી રીતે ક્લિનિક ચલાવતા હતા.
દર્દીઓ પાસેથી લેતા હતા નાની ફી
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે તેઓ દર્દીઓ પાસેથી ₹50 થી ₹100 ફી વસૂલતા હતા. પોલીસનું કહેવું છે કે મોટા ઓપરેશનના સાધનો ત્યાં નહોતા અને હાલ સુધી કોઈને ગંભીર ઈજા થઈ છે કે નહીં, તે અંગે પણ તપાસ ચાલી રહી છે.

કડક કાર્યવાહી થવાની ચીમકી
પોલીસ દ્વારા સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે ડીગ્રી વિના કોઈ પણ વ્યક્તિ જો ડોક્ટરી કરતો હોવાનું જાણવા મળે, તો કડક કાર્યવાહી કરવામાં આવશે. લોકોના જીવન સાથે રમત કરનારા આવા બોગસ ડોક્ટરો સામે કાયદેસર પગલાં લેવા તંત્ર સજ્જ છે.
હવે જોવાનું રહેશે કે આરોગ્ય તંત્ર અને પોલીસ વિભાગ આવા બોગસ તત્વો સામે કઈ રીતે આગળ વધે છે.



