New rule for property registration : નવો નિયમ આવ્યો છે ભાઈ! 2 લાખથી વધુ રોકડ એટલે સીધી તપાસ
New rule for property registration : ગુજરાતમાં મિલકતના દસ્તાવેજોની નોંધણી માટે હવે સરકાર દ્વારા એક મહત્વનો અને કડક નિયમ લાગુ કરવામાં આવ્યો છે. જો કોઈ મિલકતના વેચાણ દસ્તાવેજમાં રૂ. 2 લાખ કે તેથી વધુ રોકડ રકમનો ઉલ્લેખ કરાયો હશે, તો તેની જાણકારી આવકવેરા વિભાગને આપવી ફરજીયાત હશે. જો રજીસ્ટ્રેશન અધિકારી આ માહિતી છુપાવશે તો તેમની સામે પણ કાર્યવાહી થશે.
પરિપત્ર દ્વારા જાણકારી આપવામાં આવી
રાજ્યના રજિસ્ટ્રેશન વિભાગે જાહેર કરેલા પરિપત્રમાં જણાવાયું છે કે સુપ્રીમ કોર્ટના આદેશના આધારે નવા નિયમ લાગુ કરવામાં આવ્યા છે. જો મિલકત વેચાણ દસ્તાવેજમાં રોકડ અવેજ તરીકે 2 લાખથી વધુ રકમ દર્શાવવામાં આવે છે, તો સબ રજિસ્ટ્રાર અધિકારીઓએ તરત જ આ માહિતી ઇન્કમટેક્સ વિભાગને આપવી પડશે.

બ્લેકમની રોકવા સખત પગલાં
સરકારના જણાવ્યા મુજબ, મિલકતની લેવડદેવડમાં કાળા નાણાં અને બેનામી વ્યવહારો અટકાવવા માટે આ નિયમ લાગુ કરવામાં આવ્યો છે. રજિસ્ટ્રેશનની પ્રક્રિયામાં કોઈ પણ અનિયમિતતા અટકાવવા માટે હવે દસ્તાવેજનું સંપૂર્ણ વાંચન ફરજિયાત રહેશે અને દરેક રકમની નોંધ સાચવીને આગળ મોકલવી પડશે.
શું થશે જો નિયમનો ભંગ થશે?
જો સબ રજિસ્ટ્રાર દ્વારા આ માહિતી છુપાવાશે તો તેમના પર શિસ્તભંગ માટે કડક કાર્યવાહી થશે. સત્તાવાર રીતે જણાવાયું છે કે આવકવેરા અધિકારી માટે 2 લાખ કે વધુ રોકડ લેવડદેવડ પર તપાસ ચાલુ રહેશે અને જો દસ્તાવેજમાં એવી કોઇ માહિતી છુપાવાઈ હશે તો જવાબદાર અધિકારી સામે યોગ્ય પગલાં લેવામાં આવશે.

આ પગલાંથી શું લાભ થવાનો છે?
આ નવા નિયમથી મિલકત વેચાણના દસ્તાવેજોમાં કાળુ નાણું છુપાવવું મુશ્કેલ બનશે. આવકવેરા વિભાગને અગાઉ એવી માહિતી વર્ષોથી મળતી નહોતી કે મોડેથી મળતી હતી, હવે દસ્તાવેજ સાથે જ માહિતી મળી જશે જેથી સરકારને બેનામી મિલકત શોધવામાં મદદ મળશે અને કાયદો વધુ અસરકારક બનશે.



