Ayushman Bharat Day: આયુષ્માન ભારત ડિજિટલ મિશનમાં ગુજરાતની ઐતિહાસિક સફર: ભાવનગર માઇક્રોસાઇટે હાંસલ કર્યું દેશનું શ્રેષ્ઠ પ્રદર્શન
Ayushman Bharat Day: 29 એપ્રિલ, 2025ના રોજ આયુષ્માન ભારત દિવસ નિમિત્તે ગુજરાતે દેશભરમાંથી અલગ ઓળખ બનાવતી સિદ્ધિ હાંસલ કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડિજિટલ હેલ્થ વિઝનને આગળ વધારતી અને રાજ્યના 70 ટકા એટલે કે 4.77 કરોડથી વધુ નાગરિકોએ આયુષ્માન ભારત હેલ્થ અકાઉન્ટ (ABHA) હેઠળ પોતાનું નોંધણી પૂર્ણ કરી છે. આ માહિતી રાજય સરકારે જાહેર કરતાં જણાવ્યું કે ગુજરાત આયુષ્માન ભારત ડિજિટલ મિશન (ABDM)ના અમલમાં દેશના અગ્રણી રાજ્યોમાં સ્થાન પામ્યું છે.
ભાવનગરનું ભવ્ય પર્ફોર્મન્સ: દેશભરમાં ટોચનું સ્થાન
ABDM અંતર્ગત શરૂ કરાયેલા 100 માઇક્રોસાઇટ પ્રોજેક્ટ્સમાં ભાવનગરના માઇક્રોસાઇટે દેશભરમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરીને નવું માઇલસ્ટોન હાંસલ કર્યું છે. માત્ર સમયમર્યાદા અગાઉ તમામ લક્ષ્યો હાંસલ કરવાનું જ નહીં, પરંતુ 2 લાખથી વધુ આરોગ્ય રેકોર્ડને સફળતાપૂર્વક ડિજિટલ રીતે લિંક કરીને ભાવનગરે તમામ માઇક્રોસાઇટમાં પહેલું સ્થાન મેળવ્યું છે.
અમદાવાદ અને સુરતની માઇક્રોસાઇટ્સે પણ તાજેતરમાં તેમના નિર્ધારિત લક્ષ્યો પૂર્ણ કર્યા છે, જ્યારે રાજકોટ પણ ટૂંક સમયમાં એ સિદ્ધિ મેળવવાના માર્ગે છે.

ABHA એટલે શું? – આરોગ્યની નવી ડિજિટલ ઓળખ
આયુષ્માન ભારત હેલ્થ અકાઉન્ટ એટલે નાગરિકોની વ્યક્તિગત હેલ્થ માહિતીના ડિજિટલ સંગ્રહ માટેની એક સુરક્ષિત વ્યવસ્થા. દરેક નાગરિકને એક અનન્ય ડિજિટલ હેલ્થ આઈડી આપવામાં આવે છે, જે તેમના સમગ્ર આરોગ્ય રેકોર્ડને સુરક્ષિત રીતે સાચવી રાખે છે. આ માહિતી માત્ર નાગરિકની મંજૂરી બાદ જ આરોગ્ય વ્યવસાયિક સાથે શેર થાય છે, જેથી ગોપનીયતા અને ડેટા સુરક્ષા યથાવત્ રહે છે.
આંકડાઓમાં સફળતા
4.77 કરોડ ABHA રજિસ્ટ્રેશન (ગુજરાતના 70% નાગરિકો)
2.26 કરોડથી વધુ આરોગ્ય રેકોર્ડ સફળતાપૂર્વક ડિજિટલ લિંક
17,800+ આરોગ્ય સંસ્થાઓનું રજિસ્ટ્રેશન
42,000+ હેલ્થકેર પ્રોફેશનલ્સ ડિજિટલ સિસ્ટમ સાથે જોડાયા
આ સફળતાના પાયામાં રાજ્યના વિવિધ વિભાગોની અથાગ મહેનત, ટેક્નોલોજીના યોગ્ય ઉપયોગ અને નાગરિકોની સહભાગિતા છે.
ટેકનોલોજીથી આરોગ્ય સેવાઓમાં સુધારો

‘સ્કેન અને શૅર’ જેવી સુવિધાઓ હવે રાજ્યની 19 મેડિકલ કૉલેજ સંલગ્ન હોસ્પિટલોમાં ઉપલબ્ધ છે, જ્યાં દર્દીઓ ફક્ત QR કોડ સ્કેન કરીને પોતાનું OPD ટોકન મેળવી શકે છે. એટલું જ નહીં, ડૉક્ટરો દર્દીના ABHA સાથે જોડાયેલા આરોગ્ય રેકોર્ડ પણ તાત્કાલિક જોઈ શકે છે – તે પણ દર્દીની મંજૂરીથી.
આ રીતે, દર્દીઓને લાંબી લાઈનોમાંથી મુક્તિ, સમય બચત અને વધુ અસરકારક સારવાર મળે છે. ડોક્ટર માટે પણ દર્દીના ઐતિહાસિક રેકોર્ડ પર આધારિત સારવાર સરળ બની છે.
અભિયાનની શરૂઆત અને વિસ્તાર
આ દિશામાં પહેલ 27 સપ્ટેમ્બર 2021ના રોજ અમદાવાદ, સુરત અને મુંબઈમાં ABDM પાયલટ પ્રોજેક્ટથી થઈ હતી. પ્રારંભિક સફળતા બાદ સમગ્ર દેશમાં 100 માઇક્રોસાઇટ્સ કાર્યાન્વિત કરવામાં આવી છે. ગુજરાતના આ માઇક્રોસાઇટ્સે માત્ર ધોરણ જ સ્થાપ્યા નથી કર્યા, પણ સમગ્ર દેશમાં ડિજિટલ હેલ્થ માળખાની દિશામાં માર્ગદર્શન પૂરું પાડી રહ્યા છે.
નાગરિકો માટે મજબૂત પ્રતિબદ્ધતા
આ સફળતા માત્ર સંખ્યાઓની વાત નથી, પરંતુ દરેક નાગરિક માટે વધુ સારું અને ઉપલબ્ધ આરોગ્ય સેવાઓ સુનિશ્ચિત કરવાની રાજ્ય સરકારની પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડિજિટલ ભારતના દ્રષ્ટિકોણને સાકાર કરતી આ યાત્રા ભારતીય આરોગ્ય વ્યવસ્થાને નવા ઊંચા શિખરો તરફ લઈ જઈ રહી છે.



