UPSC Results Declared : UPSC 2024માં ગુજરાતી ઉમેદવારોનો ઇતિહાસ રચાયો: 26 વિદ્યાર્થીઓ સફળ, ટોપ-30માં ત્રણ ગુજરાતીઓ
UPSC Results Declared : યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) દ્વારા 2024ની સિવિલ સર્વિસ પરીક્ષા માટેનું અંતિમ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં ગુજરાતના ઉમેદવારો માટે આ વર્ષ ખાસ રહ્યું છે. UPSCના પરિણામમાં પ્રથમ વખત રાજ્યમાંથી એકસાથે 26 ઉમેદવારોએ સફળતા મેળવી છે. આ વર્ષે ગુજરાતના ઇતિહાસમાં સર્વોચ્ચ સફળતા નોંધાઈ છે અને ટોપ-30માં ત્રણ ગુજરાતીઓએ સ્થાન મેળવ્યું છે, જેમાંથી બે મહિલાઓ ટોપ-5માં છે.
ટોપર પૈકી બે યુવતીઓ, એક વડોદરાની, બીજી અમદાવાદથી
વિશેષ વાત એ છે કે ઓલ ઈન્ડિયા રેન્ક 2 પર હર્ષિતા ગોયલ અને રેન્ક 4 પર માર્ગી શાહે સ્થાન મેળવ્યું છે. હર્ષિતા મૂળ હરિયાણાની છે, પરંતુ વર્ષોથી વડોદરામાં વસવાટ કરે છે. માર્ગી શાહ અમદાવાદની રહેવાસી છે અને શિક્ષણ ક્ષેત્રે તેમજ જાહેર સેવાઓમાં પોતાનું યોગદાન આપવા આતુર છે. ત્રીજા ગુજરાતીને પણ ટોપ 30માં સ્થાન મળ્યું છે – અમદાવાદના સ્મિત પંચાલે ઓલ ઈન્ડિયા રેન્ક 30 મેળવ્યો છે.
SPIPAમાંથી સૌથી વધુ ઉમેદવારો પસંદ: 26 વિદ્યાર્થીનું શાનદાર પરિણામ
અમદાવાદ સ્થિત સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન (SPIPA)એ જણાવ્યું કે, આ વર્ષે તેમના ઇતિહાસમાં સૌથી વધુ ઉમેદવારોએ સફળતા મેળવી છે. પ્રિલિમમાં 259, ઇન્ટરવ્યૂ માટે 70 અને આખરે ફાઇનલ લિસ્ટમાં 26 વિદ્યાર્થીઓ પસંદ થયા છે. અત્યારસુધી SPIPAમાંથી કુલ 311 વિદ્યાર્થીઓ UPSCમાં પસંદ થયા છે, જે રાજ્ય માટે ગૌરવની બાબત છે.
સફળ ઉમેદવારોના સંઘર્ષભર્યા પ્રવાસ
હર્ષિતા ગોયલ – બી.કોમ, CA, અને હવે UPSC ટોપર
હર્ષિતા ગોયલ કહે છે કે, “આ મારો ત્રીજો પ્રયાસ હતો, પણ પહેલી વાર મેં મેઇન્સ અને ઇન્ટરવ્યૂ બંને કર્યું. હું દરરોજ 7-8 કલાક અભ્યાસ કરતી હતી. કોઈ ફિક્સ રુટિન નહોતું, પણ મને જે વાંચવું એમાં પોતાનું 100% આપતી હતી.. હર્ષિતાના પિતા ખાનગી નોકરીમાં છે અને માતા ઘર સંભાળે છે. તેણે વધુમાં કહ્યું કે, “મારા પિતાનું સપનું પૂરું થયું છે, એ માટે ખૂબ ગર્વ છે.”

સ્મિત પંચાલ – 8 વર્ષની મહેનત
સ્મિતે જણાવ્યું કે, “2017થી મે અભ્યાસ શરૂ કર્યો હતો. 10મું પછી આર્ટસ લીધું અને ભાષા બદલીને અંગ્રેજીમાં તૈયારી શરૂ કરી. આ મારો ચોથો પ્રયત્ન હતો. મારા પપ્પા ફેબ્રિકેશન કામ કરે છે અને મમ્મી હાઉસવાઇફ છે. ભાઇએ સંપૂર્ણ સમર્થન આપ્યો.” તેણે એમ પણ કહ્યું કે, “હવે જોબ પસંદગી પછી વિચારશીલ છું, પણ દેશની સેવા એજ લક્ષ્ય છે.”
જીતકુમાર – માતા અંગણવાડી વર્કર, પણ સપનાનું શીખર સર કર્યું
સુરેન્દ્રનગરના લીમડીના જીતકુમાર 929 રેન્ક પર સફળ થયા છે. તેમનું કહેવું છે કે, “મારા પિતા હયાત નથી. મમ્મી અંગણવાડી વર્કર છે. હું IIT બોમ્બે સુધી પહોંચી શક્યો અને નોકરી છોડી UPSC માટે તૈયાર થયો. હવે હું ફરી પ્રયાસ કરીને વધુ શ્રેષ્ઠ રેન્ક મેળવવા માગું છું.”
અંકિત વાણિયા – માતા રમકડાની લારી ચલાવતી, પિતા LICમાં નોકરી કરતા
અંકિતકુમાર વાણિયાએ જણાવ્યું કે, “મારે UPSC માટે 2022થી સિરિયસ તૈયારીઓ શરૂ કરી. ઘરમાં નાની મંદિરે માતા રમકડાની લારી ચલાવતી અને પિતા LICના પટ્ટાવાળા હતા. એમના સપોર્ટથી આ ઉંચાઈ સુધી પહોંચી શક્યો છું.”
અંશુલ યાદવ – હેડ કોન્સ્ટેબલનો પુત્ર અને IITએજ્યુકેટેડ
મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલના પુત્ર અંશુલ યાદવે જણાવ્યું કે, “473 રેન્ક સાથે હું સફળ થયો છું. પહેલાં નોકરી સાથે પ્રયાસ કર્યો પણ સફળ ન થતા આખરે નોકરી છોડી તૈયારી પર ફોકસ કર્યું,,,, મારા માતા-પિતા બંનેએ સપોર્ટ આપ્યો અને આજે પરિણામ સામે છે.”
UPSC 2024નું પરિણામ: કુલ 1132 પદો માટે પસંદગી
UPSC દ્વારા 2024ની સિવિલ સર્વિસ પરીક્ષા માટે કુલ 1132 પદો માટે ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે. આ પરીક્ષાઓ ત્રણ તબક્કામાં યોજાઈ – પ્રિલિમ, મેઇન્સ અને ઇન્ટરવ્યૂ. આ વર્ષે ઇન્ટરવ્યૂ 7 જાન્યુઆરીથી શરૂ થઈ 17 એપ્રિલ સુધી ચાલ્યા. કુલ 2845 ઉમેદવારોને ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવ્યા હતા. ટોપર તરીકે શક્તિ દુબેનું નામ બહાર આવ્યું છે.
ગુજરાત માટે UPSC 2024નું પરિણામ માત્ર સંખ્યામાં નહીં પણ ગુણવત્તામાં પણ ઐતિહાસિક છે. ખાસ કરીને મહિલાઓના આગેવાન હોવાને લીધે સમાજમાં વધુ સકારાત્મક સંદેશ પ્રસરે છે. રાજ્યના અનેક મધ્યમવર્ગીય પરિવારોમાંથી આવેલા વિદ્યાર્થીઓએ પોતાની મહેનતથી સફળતાના શિખરો સર કર્યા છે. આ સફળતાઓ એ પ્રેરણાદાયી છે કે સંજોગો કેવા પણ હોય, જો આશા, દૃઢ નિશ્ચય અને સતત પ્રયત્ન હોય, તો સપનાઓ અવશ્ય સાકાર થાય છે.



