Gandhinagar Metro extension: ગુજરાતના લોકો માટે એક ખુશનુમા સમાચાર છે, ખાસ કરીને અમદાવાદથી ગાંધીનગર સચિવાલય સુધી રોજબરોજ મુસાફરી કરતા લોકો માટે. હવે મેટ્રો ટ્રેનની સેવા સચિવાલય સુધી વિસ્તૃત કરવામાં આવી છે. મોટેરા થી શરૂ થતી અને હાલ સેક્ટર-1 સુધી સીમિત આ સેવા હવે સીધી સચિવાલય સુધી પહોંચશે.
મેટ્રો કમિશ્નરે તાજેતરમાં સચિવાલય મેટ્રો સ્ટેશનની મુલાકાત લીધી હતી અને તમામ સાવચેતીપૂર્ણ સમીક્ષાઓ બાદ સેવા લંબાવવાની મંજૂરી આપી દીધી છે. સચિવાલય પાસે મેટ્રો સ્ટેશનનું બાંધકામ તેમજ જરૂરી સગવડોની તૈયારીઓ પૂર્ણ થઈ ચુકી છે અને ટૂંક સમયમાં આ નવા રૂટ પર મેટ્રો ટ્રેન દોડતી થઇ જશે.
ઉલ્લેખનીય છે કે, અગાઉ સચિવાલય સુધી ટ્રાયલ રન સફળતાપૂર્વક કરવામાં આવી હતી. ત્યારથી આશા હતી કે ટૂંક સમયમાં આ માર્ગ પણ જનસેવા માટે ખુલ્લો મુકાશે. આ સેવાથી ખાસ કરીને એવા કર્મચારીઓ અને નાગરિકોને લાભ મળશે, જેમનું દૈનિક કામકાજ ગાંધીનગર સચિવાલય સુધી આવનજાવન કરવાનું હોય છે.

આ સેવાના આરંભથી ટ્રાફિકના ભારમાં ઘટાડો થશે તેમજ મુસાફરોનો સમય અને આર્થિક ખર્ચ પણ બચશે. મેટ્રો ટ્રેનના વિસ્તારથી ગુજરાતના બે મોટા શહેરો – અમદાવાદ અને ગાંધીનગર – વચ્ચેની કનેક્ટિવિટી વધુ મજબૂત બનશે. સરકારે અમદાવાદ-ગાંધીનગર વચ્ચે પ્રવાસીઓને વધુ સઘન અને આરામદાયક પ્રવાસ સુવિધા આપવા માટે મહત્વપૂર્ણ પગલું ભર્યું છે.



