Ambaji News : અંબાજી ટ્રસ્ટનો મોટો નિર્ણય: 15 થી 17 એપ્રિલ સુધી ગબ્બર દર્શન અને રોપ વે બંધ રહેશે
Ambaji News : અંબાજી યાત્રાધામ પર આવેલા શ્રદ્ધાળુઓ માટે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. મંદિર ટ્રસ્ટે નિર્ણય કર્યો છે કે આવતીકાલથી ત્રણ દિવસ એટલે કે 15 એપ્રિલથી 17 એપ્રિલ સુધી ગબ્બર હિલ પર દર્શન અને રોપ વે સેવા સંપૂર્ણપણે બંધ રહેશે.
ભમરાંના હુમલાથી શ્રદ્ધાળુઓ ઘવાયા
હાલમાં કેટલાક દિવસ પહેલાં મહેસાણા અને અમદાવાદમાંથી આવેલા શ્રદ્ધાળુઓના જૂથ પર ગબ્બર ચઢાણ દરમિયાન અચાનક ભમરાંએ હુમલો કર્યો હતો. આ ઘટનામાં લગભગ 25 લોકો ભમરાંના ડંખથી ઘાયલ થયા હતા. શ્રદ્ધાળુઓની સુરક્ષા અને આરોગ્યને ધ્યાનમાં રાખીને મંદિર ટ્રસ્ટે તાત્કાલિક પગલું ભર્યું છે.
મધપૂડાં હટાવવાની કામગીરી હાથ ધરાશે

આ તાત્કાલિક બંધનો મુખ્ય હેતુ ગબ્બર પર્વત અને પરિક્રમા માર્ગ પર આવેલા મધપૂડાંને સલામત રીતે દૂર કરવાનો છે. ટ્રસ્ટના જણાવ્યા મુજબ, 51 શક્તિપીઠ પરિક્રમા વિસ્તારમાં વિવિધ સ્થળોએ ભમરાંના પુડા જોવા મળ્યા હતા, જેને લઈને શ્રદ્ધાળુઓમાં ભયનો માહોલ સર્જાયો છે.
18 એપ્રિલથી ફરી શરૂ થશે દર્શન અને રોપ વે
મંદિર ટ્રસ્ટે સ્પષ્ટ કર્યું છે કે 18 એપ્રિલ, ગુરુવારથી ગબ્બર દર્શન અને રોપ વે સેવા ફરીથી ચાલુ કરવામાં આવશે. ત્યાથી પહેલાં આખા વિસ્તારમાં ભમરાં અને મધપૂડાંની સંપૂર્ણ સફાઈ અને નિયંત્રણની કાર્યવાહી પૂર્ણ કરાશે.



