Dhiru Gajera letter to CM: સુરતમાં હેલ્મેટ કાયદા પર વિવાદ: પૂર્વ ધારાસભ્ય ધીરુ ગજેરાએ મુખ્યમંત્રીને લખ્યો પત્ર, શહેરમાં કાયદો રદ કરવાની કરી માંગ
Dhiru Gajera letter to CM: સુરત શહેરમાં હેલ્મેટ ફરજિયાત કાયદા સામે મોટો અવાજ ઉઠાવતો એક મુદ્દો સામે આવ્યો છે. સુરતના પૂર્વ ધારાસભ્ય ધીરુ ગજેરાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી વિસ્તારમાં હેલ્મેટનો કાયદો રદ કરવાની માંગ ઉઠાવી છે. પત્રમાં તેમણે જણાવ્યું છે કે ગરમીના સમયમાં હેલ્મેટ પહેરવાનું સામાન્ય જનતાને નુકસાનકારક સાબિત થાય છે અને આ નિયમ શહેરના સામાન્ય માણસ માટે ત્રાસદાયક બની ગયો છે.
“ગરમીમાં હેલ્મેટ જોખમરૂપ”: પત્રમાં ઉઠાવેલા મુદ્દાઓ
ધીરુ ગજેરાએ જણાવ્યું છે કે શહેરમાં સિગ્નલોની સંખ્યા વધી રહી છે અને લોકો ગમે ત્યાંથી પસાર થાય ત્યારે 300 થી 400 મીટર ચાલ્યા બાદ વારંવાર રોકાવું પડે છે. ગરમી 40થી 45 ડિગ્રી સુધી પહોંચી જાય છે ત્યારે હેલ્મેટ પહેરવું સ્વાસ્થ્ય માટે જોખમરૂપ છે. તેમણે જણાવ્યું કે લાંબા સમય સુધી ગરમ હેલ્મેટ પહેરવાથી માથાના દુઃખાવા, ચક્કર, અને શ્વાસ લેવામાં તકલીફ જેવી તકલીફો થાય છે.

“એસી રૂમમાં બેઠેલા નિર્ણય લે છે, પણ પીડા પ્રજાને સહન કરવી પડે”
પત્રમાં આગળ ધીરુ ગજેરાએ કટાક્ષ કર્યો કે, જે લોકો આ કાયદા બનાવે છે તેઓ તો ઠંડા રૂમમાં બેઠા રહે છે. પરંતુ જનતાને ગરમીમાં એ હેલ્મેટ પહેરીને ટ્રાફિકમાં ચલાવવું પડે છે. “એક વખત એમને ગરમીમાં બહાર જવા દો તો ખ્યાલ આવશે કે હકીકતમાં શું હાલત થાય છે,” એમ પણ તેમણે લખ્યું છે.
“પ્રજાની ચિંતા, ચોરીનો ભય અને વારંવારની તકલીફો”
ધીરુ ગજેરાએ પત્રમાં એવો પણ ઉલ્લેખ કર્યો છે કે લગ્ન પ્રસંગો, શ્રદ્ધાંજલિ, મંદિર, કે સ્કૂલ જેવા સંજોગોમાં હેલ્મેટ લઈને જવું પણ મુશ્કેલીજનક છે. ઘણીવાર લોકોની બાઈક પરથી હેલ્મેટ પણ ચોરાઈ જાય છે. લોકોને તેમની પોતાની સલામતી માટે નહીં, પણ દંડથી બચવા હેલ્મેટ પહેરવું પડે છે – જેને તેમણે “લૂંટ” તરીકે વર્ણવી છે.
“જનતાએ પણ અવાજ ઉઠાવવો જોઈએ”
પત્રના અંતે, પૂર્વ ધારાસભ્યે રાજ્યની જનતાને પણ અપીલ કરી છે કે તેઓ પોતાના વિસ્તારના સાંસદ, ધારાસભ્ય કે સ્થાનિક પ્રતિનિધિઓને પત્ર લખીને આ મુદ્દે રજૂઆત કરે. તેમણે કહ્યું કે, સરકારને આ મુદ્દે યોગ્ય પગલું લેવું જોઈએ – અથવા તો કાયદામાં સંશોધન કરીને શહેરી વિસ્તારોમાં હેલ્મેટ ફરજિયાત ન રાખવો જોઈએ.



