gujarat government : ગુજરાતમાં નગરપાલિકાઓ માટે CM ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય: સહાયમાં નોંધપાત્ર વધારો, નાગરિકોને મળશે આધુનિક સેવાઓ
gujarat government : ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નગરપાલિકાઓ માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્ય સરકાર નગરપાલિકાઓને મળતી સહાયની રકમમાં નોંધપાત્ર વધારો કરશે, જેથી તેઓ આધુનિક નગર સેવા સદનોની રચના કરી શકે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ નાગરિકોને વધુ સુવિધાજનક અને સહજ સેવાઓ ઉપલબ્ધ કરાવવાનો છે.
સહાયમાં ત્રણ ગણો વધારો, શહેરી વિકાસને મળશે નવો વેગ
“સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના” હેઠળ મળતી સહાય રકમમાં તાજેતરમાં વધારો કરાયો છે. આ યોજના વર્ષ 2009-10થી શહેરી વિકાસ અને ગૃહનિર્માણ વિભાગ દ્વારા અમલમાં મૂકાઈ છે. તેનું મુખ્ય લક્ષ્ય છે શહેરી પાયાના માળખાં – ખાસ કરીને પાણી પુરવઠો, ગટર વ્યવસ્થા અને ટકાઉ ઊર્જા વિકલ્પો –ને વધુ મજબૂત બનાવવો.
CMના નિર્ણય મુજબ:
A શ્રેણીની નગરપાલિકાઓને હવે ₹6 કરોડ,
B શ્રેણીને ₹10 કરોડ,
C શ્રેણીને ₹4 કરોડ અને
D શ્રેણીની નગરપાલિકાઓને ₹3 કરોડની સહાય મળશે.
હાલ સુધી C અને D શ્રેણીની નગરપાલિકાઓને ફક્ત ₹1 કરોડની સહાય મળતી હતી, જેમાં હવે ત્રણગણો વધારો કરાયો છે.
લાભાર્થીઓમાં દિવ્યાંગો અને વરિષ્ઠ નાગરિકો માટે વિશેષ સુવિધાઓ
મુખ્યમંત્રીએ સ્પષ્ટ કર્યું છે કે નવા નગર સેવા સદનોમાં દિવ્યાંગો તથા વરિષ્ઠ નાગરિકોને ધ્યાનમાં રાખી લિફ્ટ જેવી જરૂરી સુવિધાઓનો સમાવેશ ફરજિયાત રહેશે. સાથે જ, વીજ બિલમાં બચત અને ઊર્જા આત્મનિર્ભરતા માટે સૌર ઊર્જા સિસ્ટમ પણ સ્થાપિત કરાશે.

પર્યાવરણ જાળવણીની દિશામાં પણ મહત્વના પગલાં
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી શરૂ કરાયેલા ‘Catch the Rain’ અભિયાનને આત્મસાત કરતાં નવા નગર સેવા કેન્દ્રોમાં વરસાદી પાણીના સંચય માટે જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ વિકસાવવામાં આવશે.
હાલના સેવા સદનોના સમારકામ માટે પણ ફાળવણી
માત્ર નવા સેવા કેન્દ્રો જ નહીં, પણ હાજર નગર સેવા સદનોના વિસ્તરણ અને સમારકામ માટે પણ નગરપાલિકાઓને મળતી કુલ સહાયમાંથી 25 ટકા ફાળવણી કરવાની છૂટ આપવામાં આવી છે.
ગુજરાતમાં કેટલી નગરપાલિકાઓને મળશે લાભ?
A શ્રેણી – 34 નગરપાલિકાઓ
B શ્રેણી – 37 નગરપાલિકાઓ
C શ્રેણી – 61 નગરપાલિકાઓ
D શ્રેણી – 17 નગરપાલિકાઓ
આ નવા ફેરફારોના અમલથી રાજ્યની કુલ 149 નગરપાલિકાઓને સીધો લાભ મળવાની શક્યતા છે.



