Rahul Gandhi Changes Gujarat Program: ગુજરાતના પ્રવાસ દરમિયાન રાહુલ ગાંધીના શિડ્યુલમાં ફેરફાર: હવે પહેલા અમદાવાદ અને પછી મોડાસામાં કાર્યક્રમ
Rahul Gandhi Changes Gujarat Program : રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસમાં નવો ફેરફાર લાવવામાં આવ્યો છે. પહેલા બંને દિવસના કાર્યક્રમો મોડાસામાં નક્કી કરવામાં આવ્યા હતા, પરંતુ તાજેતરના ફેરફાર મુજબ હવે તેઓ 15 એપ્રિલે અમદાવાદના કોંગ્રેસ કાર્યાલય ખાતે AICC તથા રાજ્યના નિરીક્ષકો સાથે વિશેષ ઓરિએન્ટેશન બેઠક લેશે અને 16 એપ્રિલે મોડાસામાં સંગઠન સર્જન અભિયાનનો આરંભ કરશે.
આ અભિયાનના પ્રથમ તબક્કાને પાઇલોટ પ્રોજેક્ટ તરીકે જોવામાં આવી રહ્યું છે, જેમાં કાર્યકરો સાથે સીધો સંવાદ પણ યોજાશે.
ગુજરાત કોંગ્રેસે આગામી 2027 ચૂંટણી માટે તૈયારી જોરશોરથી શરૂ કરી છે. તેના ભાગરૂપે જિલ્લામાં નવા પ્રમુખોની નિમણૂક માટે નિરીક્ષકોની ટીમો ઉભી કરવામાં આવી છે. કુલ 43 જિલ્લા માટે બનેલી ટીમમાં AICCના નિરીક્ષકો કન્વિનર રહેશે અને તેમને ચાર-ચાર રાજ્ય સ્તરના નિરીક્ષકો પણ સાથ આપશે.

જેઓ PACના સભ્ય છે, પૂર્વ ધારાસભ્ય, સાંસદ, મ્યુનિસિપલ પ્રમુખ, કોંગ્રેસના સંલગ્ન વિભાગોના વડા વગેરેનો સમાવેશ કરીને પ્રભારી તરીકે પસંદગી કરવામાં આવી છે.
અગાઉ 12 એપ્રિલે યુવા કોંગ્રેસે રાજ્યભરના યુવાનો માટે મેમ્બરશિપ અભિયાન શરૂ કરવાની જાહેરાત કરી હતી. આગામી 21 થી 30 એપ્રિલ વચ્ચે ઉમેદવારી નોંધાવવાનો સમય રહેશે. તાલુકા થી રાજ્ય સ્તર સુધી સંગઠન રચના માટે યુવાનોને આમંત્રિત કરવામાં આવ્યા છે.



