Akhilesh-Kejriwal Tweets : “ગુજરાતનું શૈક્ષણિક માળખું ટ્વીટના ઘેરામાં, જૂના રિપોર્ટથી નવું રાજકીય તોફાન”
Akhilesh-Kejriwal Tweets : ગુજરાતમાં પરીક્ષા પછી પરિણામની રાહ જોવાઈ રહી છે ત્યારે રાજકારણનો પારો ચઢતો ..રહ્યો. અખિલેશ યાદવ દ્વારા ટ્વીટ કરવામાં આવી કે રાજ્યની 157 શાળાઓમાં ધો. 10ના તમામ વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. ટ્વીટ સાથે એક જૂના સમાચાર કટિંગને પણ જોડવામાં આવ્યું હતું. ત્યારે અરવિંદ કેજરીવાલે આને રિટ્વિટ કરી રાજ્યની શિક્ષણ વ્યવસ્થા પર સવાલ ઉઠાવ્યા.

હકીકતમાં, આ રિપોર્ટ વર્ષ 2023નો હતો અને હાલમાં જે રિઝલ્ટ અંગે ચર્ચા છે, તે 2025નું છે – જે હજુ જાહેર જ થયું નથી. આ અંગે રાજ્યના શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાએ ટ્વિટ કરીને જવાબ આપ્યો કે, “ખોટા આરોપો શિક્ષણ વ્યવસ્થાને કલંકિત કરે છે. પરિણામો સમયસર આવશે અને સાચી માહિતી અધિકૃત સ્ત્રોતમાંથી જ મેળવી શકાય.”

મંત્રીએ વધુમાં જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં શિક્ષણમાં ટેક્નોલોજી આધારિત પરિવર્તન થયું છે અને વિદ્યાર્થીઓને ગુણવત્તાવાળું શિક્ષણ મળે છે.
આ રાજકીય ગરમાવામાં કોંગ્રેસ પણ જોડાઈ ગઈ છે. કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ શિક્ષણ માળખાની ખામીઓ ગણાવતાં સરકાર પર આક્ષેપ કર્યા કે “શાળાઓમાં 40,000 શિક્ષકોની ખામી છે, અનેક જગ્યાએ એક શિક્ષકથી શાળા ચાલી રહી છે. શિક્ષણ વિભાગ ભાજપ માટે ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગયો છે.”



