Mansukh Vasava Statement : રાજપીપળા: સાંસદ મનસુખ વસાવાનું નિવેદન – “કોંગ્રેસ કે AAPથી કોઈ ડર નહીં, મતદારો નારાજ હોવા છતાં પણ ભાજપને પસંદ કરે છે”
Mansukh Vasava Statement : નર્મદા જિલ્લાના રાજપીપળામાં આવેલા સરદાર ટાઉન હોલમાં ભાજપના સ્થાપના દિવસ નિમિત્તે આયોજિત સક્રિય કાર્યકર્તા સંમેલનમાં સાંસદ મનસુખ વસાવાએ અનેક મહત્વપૂર્ણ અને ચરચાસ્પદ નિવેદનો આપ્યા હતા. આ કાર્યક્રમમાં ભાજપના અનુસૂચિત જનજાતિ મોરચાના અધ્યક્ષ અર્જુન ચૌધરી, સાંસદ જશુભાઈ રાઠવા, જિલ્લા અધ્યક્ષ નીલ રાવ અને ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખ સહિત અનેક આગેવાનો હાજર રહ્યા હતા.
મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે ભાજપે જ દેશને ગૌરવ અપાવ્યું છે, જ્યારે કોંગ્રેસ એ દેશને પાછળ ધકેલ્યો છે. મતદારો ભાજપથી નારાજ હોય તેમ છતાં પણ તેઓ મતદાન સમયે ભાજપને પસંદ કરે છે, કારણ કે તેમને ભવિષ્ય માટે વિશ્વાસ છે. તેમણે 1984ની ચૂંટણી યાદ કરતા કહ્યું કે તેઓએ પ્રથમ વખત ભાજપના ટિકિટ પર ચૂંટણી લડી હતી અને માત્ર 1200 મત મળ્યા હતા, તેમ છતાં હિંમત ન હારતા આજે સક્સેસફુલ રાજકીય સફર કરી છે.

કોંગ્રેસના વકફ બોર્ડ પરના કબ્જા મુદ્દે પણ તેમણે કટાક્ષ કરતા કહ્યું કે એવી રાજનીતિના દિવસો હવે પૂરા થયા છે. સાથે જ તેમણે ટ્રાઇબલ યુનિવર્સિટીની કામગીરી અંગે નારાજગી વ્યક્ત કરી અને આ બાબતે મંત્રી કુબેર ડીંડોરનું ધ્યાન દોર્યું.

ડેડીયાપાડાની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આપ અને કોંગ્રેસની પ્રવેશની ચર્ચાઓ પર નિવેદન આપતા તેમણે ચેતવણી આપી હતી કે ભાજપને ન તો કોંગ્રેસનો ડર છે અને ન જ ચૈતર વસાવાનો. તેમણે પાર્ટીના કાર્યકર્તાઓને જાગૃત અને સક્રિય રહેવા માટે કહ્યું તેમજ યુવાનોને આગેવાન તરીકે આગળ લાવવાની નીતિનું સમર્થન કર્યું.



