Gujarat Agri Business Policy : ગુજરાતમાં કૃષિ ઉદ્યોગોમાં મોટા ફેરફારની તૈયારી, નવી એગ્રી બિઝનેસ પોલિસી દ્વારા ખેડૂતોની આવકમાં વધારો કરાશે
Gujarat Agri Business Policy: ગુજરાત સરકારે ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય લેતાં કૃષિ ઉદ્યોગોને વેગ આપતી નવી એગ્રી બિઝનેસ પોલિસી લાવવાની તૈયારી કરી છે. ચાર વર્ષ પછી આવી રહેલી આ નવી નીતિમાં 2016માં ઘોષિત જૂની પોલિસીમાંથી શીખ લઈને તેના ખામીઓને દૂર કરવામાં આવશે અને અદ્યતન ટેક્નોલોજી — જેમ કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), ડ્રોન ટેકનોલોજી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સપોર્ટ —ના ઉપયોગથી ખેડૂતોની આવક વધારવાનો લક્ષ્ય છે.
નવી નીતિથી શુ ધ્યેય છે?
રાજ્ય સરકારે 2026ની વાયબ્રન્ટ ગુજરાત સમિટને ધ્યાને રાખીને આ નવી પોલિસી તૈયાર કરી છે. જેમાં માત્ર ખેડૂતો માટે નહીં, પણ કૃષિ ઉદ્યોગકારો અને નાણા, માર્કેટિંગ તથા ફુડ પ્રોસેસિંગ સાથે જોડાયેલી કંપનીઓ માટે પણ સહાય અને પ્રોત્સાહન આપવાનું નિર્ધારિત છે.
કૃષિ વિભાગનો દાવો: નવી ટેક્નોલોજીથી બજાર સુધી સરળ પહોચ
અધિક મુખ્ય સચિવ અંજુ શર્માએ કહ્યું કે, નવી પોલિસી ઓર્ગેનિક ખેતી, વેલ્યુ એડિશન, કોલ્ડ સ્ટોરેજ, ફુડ પ્રોસેસિંગ યુનિટ અને માર્કેટિંગની અડચણોને દૂર કરવા માટે ખાસ ડિઝાઇન કરવામાં આવી છે. માર્કેટમાં માંગ મુજબ ઉત્પાદનો પહોંચાડી શકાય એ માટે ગ્રાહકની પસંદગીને ધ્યાનમાં રાખી આંતરરાષ્ટ્રીય બજાર અને વૈશ્વિક સ્પર્ધાને પહોંચી વળવા ટેક્નોલોજીનો વ્યાપક ઉપયોગ કરવામાં આવશે.

જૂની પોલિસી પૂરી થઈ પછીથી ખાલીપો
2016ની કૃષિ પોલિસી 2021 સુધી અમલમાં હતી. ત્યારબાદ ગુજરાતમાં એવી કોઇ ઓફિશિયલ કૃષિ ઉદ્યોગ નીતિ અસ્તિત્વમાં નહોતી. ત્યારે “આત્મનિર્ભર ગુજરાત” હેઠળ કૃષિ ફુડ પ્રોસેસિંગને પ્રાથમિકતા આપવામાં આવી હતી. હવે નવી નીતિ એ ખાલીપાને પૂરો કરશે.
વાયબ્રન્ટ સમિટના પગલે ઉદ્યોગોને પ્રોત્સાહન
છેલ્લી વાયબ્રન્ટ સમિટ દરમિયાન કૃષિ ક્ષેત્રે 25થી વધુ B2B અને B2G મિટિંગ થઈ હતી. જેમાં દેશવિદેશના ઉદ્યોગકારોએ ગુજરાતની કૃષિ પેદાશોમાં રસ દર્શાવ્યો હતો. આ તમામ પ્રતિસાદોને ધ્યાનમાં રાખીને પોલિસીમાં નીતિરૂપ ફેરફારો કરવામાં આવી રહ્યા છે.
નીતિમાં આવરી લેવામાં આવતી સહાય યોજના
નવી પોલિસીમાં કેટલીક જૂની સહાય યોજના પણ યથાવત રાખવામાં આવશે:
નવો પ્રોજેક્ટ કે અપગ્રેડ માટે 25% સબસીડી
કોલ્ડ ચેન, પેકેજિંગ હાઉસ માટે 25% સહાય
MSME એકમો માટે ગુણવત્તા પ્રમાણપત્ર પર 50% સહાય
કૌશલ્ય તાલીમ માટે 50% ખર્ચની સહાય
જમીન વેચાણ, ભાડા કે ટ્રાન્સફર વખતે 50% સ્ટેમ્પ ડ્યુટી રિફંડ
રાજ્ય સરકારે APMCના આધુનિકીકરણ અને ખાનગી માર્કેટ યાર્ડના વિકાસ પર પણ ફોકસ કર્યો છે.



