CEC Meeting in Ahmedabad: કોંગ્રેસે સરકાર બનાવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો, ભાજપે ઉડાવી મજાક
CEC Meeting in Ahmedabad : મહાત્મા ગાંધીજીના કોંગ્રેસ અધ્યક્ષ તરીકેના પ્રથમ કાર્યકાળને 100 વર્ષ પૂર્ણ થવાના અવસરે કોંગ્રેસ પાર્ટીએ તેમની જન્મભૂમિ ગુજરાતમાં, સાબરમતી નદીના કિનારે બે દિવસીય રાષ્ટ્રીય અધિવેશનનું આયોજન કર્યું છે. આ ઐતિહાસિક પ્રસંગે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ સહિત મુખ્ય વિપક્ષી ચહેરાઓ — ખડગે, રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી — ઉપસ્થિત રહી કોંગ્રેસના ભાવિ માર્ગ અને રાજકીય રણનીતિ પર ચર્ચા કરશે.
પવન ખેરાનો દાવો: ગુજરાત ફરીથી માર્ગદર્શક બનશે
મિડિયા સાથે વાતચીત દરમિયાન કોંગ્રેસ પ્રવક્તા પવન ખેરાએ જણાવ્યું કે, “આજનો ભારત એક ઉદાસ, અનિચ્છિત અને અન્યાયથી ભરેલો સમય જીવતો દેશ છે. દલિતો, આદિવાસીઓ, મહિલાઓ અને પછાત વર્ગો સામે અણગમતો વ્યવહાર જોવા મળે છે.”
તેમણે વધુમાં ઉમેર્યું કે, “જે રીતે સ્વાતંત્ર્ય સંગ્રામમાં ગુજરાતે દેશને દિશા આપી હતી, તે જ રીતે હવે ફરીથી ગુજરાત પરિવર્તનનું કેન્દ્રીય બિંદુ બનશે. 2027માં કોંગ્રેસ રાજ્યમાં સરકાર બનાવશે.”
વિશ્વાસ અને આશાની વાત: ‘ગુજરાત જોઇ રહ્યું છે કોંગ્રેસ તરફ’
પવન ખેરાએ કહ્યુ કે, “જ્યારે પણ દેશે મુશ્કેલીનો સામનો કર્યો છે ત્યારે ગુજરાતે રસ્તો બતાવ્યો છે. આજે આખો દેશ ફરીથી કોંગ્રેસ તરફ આશાની નજરે જોઈ રહ્યો છે.”
તેમણે સરદાર પટેલ અને મહાત્મા ગાંધીનું ઉદાહરણ આપતા જણાવ્યું કે, “ગુજરાતે દરેક યુગમાં નેતૃત્વ આપ્યું છે અને આજે ફરીથી ગુજરાત તૈયાર છે, એક નવા અભિયાન માટે.”

ભાજપનો પ્રહાર: ‘કોંગ્રેસને હવે યાદ આવી ગુજરાત?’
બીજી તરફ રાજ્યના મંત્રી જગદીશ વિશ્વકર્માએ કોંગ્રેસના અધિવેશન પર સખત પ્રતિક્રિયા આપતા કહ્યું કે, “64 વર્ષ બાદ કોંગ્રેસને ગુજરાત યાદ આવ્યું છે, જ્યારે ભાજપ છેલ્લા અનેક વર્ષોથી રાજ્યમાં સતત સેવા આપી રહ્યું છે.”
તેમણે કોંગ્રેસના નેતાઓ પર નિશાન સાધતા કહ્યુ, “કોંગ્રેસના નેતાઓ શેખચિલ્લી જેવી કલ્પનાઓમાં જીવી રહ્યાં છે. આજે પણ તે પરિવારવાદના આધારે રાજકારણ કરે છે. જયારે ભાજપના શાસનકાળ દરમિયાન ગુજરાતે દરેક ક્ષેત્રે વિકાસનો સ્પર્શ કર્યો છે.”
‘કોઈ શક્યતા નથી’: કોંગ્રેસ માટે રાજ્યમાં દરવાજા બંધ હોવાનો દાવો
વિશ્વકર્માએ વધુમાં કહ્યું કે, “આગામી 20 વર્ષ સુધી ગુજરાતમાં કોંગ્રેસ સરકાર બનવાની કોઈ સંભાવના જ નથી. કોંગ્રેસ શાંતિપૂર્ણ ગુજરાતમાં રાજકીય ઉકાળો ફેંકી લોકોમાં ભ્રમ પેદા કરવાનો પ્રયાસ કરી રહી છે, પણ ગુજરાતની જનતા ભાજપ સાથે છે.”



