Model Solar Village Competition: ગુજરાતના ગામોમાં સૌર ઊર્જા માટે સ્પર્ધા: 244 ગામો વચ્ચે ‘મોડેલ સોલાર વિલેજ’ બનવા દોડ, વિજેતાને મળશે 1 કરોડનું ઇનામ
Model Solar Village Competition: પૂરા દેશમાં ગ્રીન એનર્જી તરફ વલણ વધતું જાય છે ત્યારે હવે સૌર ઊર્જાના ઉપયોગને પ્રોત્સાહન આપવા ભારત સરકારે નવો પ્રયાસ કર્યો છે. ‘મોડેલ સોલાર વિલેજ’ નામની એક ખાસ સ્પર્ધાની શરૂઆત કરવામાં આવી છે, જેમાં 5000 કે તેથી વધુ વસ્તી ધરાવતા ગામો ભાગ લઈ શકે છે. આ સ્પર્ધામાં જે ગામમાં સૌથી વધુ સોલાર રૂફટોપ પેનલ લગાવવામાં આવશે, તેને રૂ. 1 કરોડનું ઇનામ આપવામાં આવશે.
રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છના 244 ગામો સ્પર્ધામાં ઉતર્યા
આ સ્પર્ધા 1 એપ્રિલ 2025થી શરૂ થઈ ગઈ છે અને 30 સપ્ટેમ્બર 2025 સુધી ચાલશે. રાજકોટ પીડબ્લ્યુજીવીસીએલ (PGVCL)ના ચીફ એન્જિનિયર આર.જે. વાળાએ માહિતી આપી હતી કે પીએમ સૂર્યઘર યોજના હેઠળ યોજાઈ રહેલી આ સ્પર્ધા માટે સૌરાષ્ટ્ર અને કચ્છના 12 જિલ્લાઓમાંથી કુલ 244 ગામોએ નોંધણી કરાવી છે. રાજકોટ જિલ્લામાં 27, જૂનાગઢમાં 27, ગિર સોમનાથમાં 33, ભાવનગરમાં 29 સહિત કુલ ગામોમાં સ્પર્ધા જોરપૂર્વક હાથ ધરાશે.

ગામમાં વધુ સોલાર, વધુ તકો: પ્રચારથી વિસ્તરણ સુધીનો રોડમૅપ તૈયાર
દરેક ગામમાં ગ્રામપંચાયતના નેતૃત્વ હેઠળ ટાસ્ક ફોર્સ બનાવવામાં આવી છે. PGVCLની ટીમો ડોર-ટુ-ડોર અવેરનેસ કાર્યક્રમો અને જાહેર સભાઓના માધ્યમથી લોકોને સોલાર રૂફટોપ લગાવા પ્રોત્સાહિત કરશે. 6 મહિનાના અંતે જે ગામ સૌથી વધુ ક્ષમતા ધરાવતું સોલાર વિલેજ બનશે, તેને મોડેલ વિલેજ જાહેર કરવામાં આવશે.
વિજેતા ગામના વિકાસ માટે ફંડનો ઉપયોગ: સરકારી કચેરીથી લઈ કૃષિ સુધી સોલાર અપગ્રેડ

વિજેતા ગામ માટે મળનારા રૂ. 1 કરોડના ઈનામનો ઉપયોગ સરકારી કચેરીઓમાં રૂફટોપ સ્થાપન, ખેતી માટે સોલાર પમ્પ, કમ્યુનિટી હોલ અને આવકવધારાના સ્ત્રોત માટે સોલાર ઉર્જા આધારિત પ્રવૃત્તિઓ માટે થાય છે. આ અભિયાનથી ગુજરાતના ગામોમાં પણ ગ્રીન એનર્જી ક્ષેત્રે ક્રાંતિ લાવવાની દિશામાં પગલાં લેવામાં આવી રહ્યાં છે.



