Manek Chowk Night Food Market Reopening : માણેકચોક રાત્રિ બજાર ફરી ખૂલશે: 7 એપ્રિલથી ખાવાની મજા માણવા ફરી ઉમટશે ભીડ
Manek Chowk Night Food Market Reopening : ખાવાના શોખીનો માટે સારા સમાચાર છે. છેલ્લા એક મહિનાથી બંધ પડેલું માણેકચોક રાત્રિ ખાણીપીણી બજાર હવે ફરીથી ધમધમશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વર્ષો જૂની ડ્રેનેજ લાઈનના રીહેબિલિટેશનની કામગીરી પૂર્ણ થતા 7 એપ્રિલથી બજાર ફરી શરૂ થવા જઈ રહ્યું છે.
રીહેબિલિટેશન કાર્ય પૂર્ણ, રોડ રીસરફેસિંગ પણ થયું
મ્યુનિ.ના અધિકારીઓના જણાવ્યા અનુસાર, 5 માર્ચ 2025થી બજાર બંધ રાખવામાં આવ્યું હતું, કારણકે ड्रેનેજ લાઈન બદલવાનું મહત્ત્વનું કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમ્યાન ભારે મશીનરીનો ઉપયોગ થવાના કારણે બજારને તાત્કાલિક બંધ કરવું પડ્યું હતું. હવે આખું કામ પૂરું થતાં ખોદાણવાળી જગ્યા પર રોડ ફરીથી મક્કમ રીતે બનાવવામાં આવ્યો છે.
50 વર્ષ જૂની લાઈન, ગટર ઉભરાવાનો કાયમનો સવાલ
માણેકચોક અને આસપાસના વિસ્તારોમાં દશકો જૂની ડ્રેનેજ લાઈન આવેલી હતી, જે વારંવાર ગટર ઉભરાવાની સમસ્યાનું કારણ બની રહી હતી. મ્યુનિસિપલ કોર્પોરેશને હવે નવી ટેકનીકથી – CIPP (Cured-In-Place Pipe) પદ્ધતિથી લાઈન રીહેબિલિટેશન કરાવી છે. આ કામ ખાસ કરીને માણેકનાથ બાવાની સમાધિથી લઈને આસ્ટોડિયા દરવાજા સુધીના વિસ્તારમાં હાથ ધરવામાં આવ્યું હતું.

રાહતની ઘડી: ગટર ઉભરાવાનો ભય હવે દૂર
સાંકડી શેરીઓ અને ઘન વસતિભરેલા વિસ્તારમાં આ કામ કરવું પડકારજનક હતું, પરંતુ હવે તે સફળતાપૂર્વક પૂર્ણ થયું છે. CIPP ટેકનોલોજી દ્વારા આવેલા નાળાઓને મજબૂતી આપી શકાય છે અને લાંબાગાળે રિપેરની જરૂર ન પડે તેવી યોજના બનાવવામાં આવી છે.
કોંગ્રેસના અધિવેશનના મહેમાનો માણશે અમદાવાદી સ્વાદ
આમ, 8-9 એપ્રિલે અમદાવાદ ખાતે યોજાનાર કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનમાં હાજર રહેવા આવનારા દેશભરના નેતાઓ માટે પણ આ બજાર એક ખાસ આકર્ષણ બની રહેશે. તેઓ હવે અહીંની મશહૂર ભાજીપાવ, પીઝા, સેન્ડવીચ, ભેળ અને આઈસ્ક્રીમનો સ્વાદ લઈ શકશે.



