Asia richest village: માધાપર: એશિયાનું સૌથી ધનવાન ગામ જ્યાં બેંક-પોસ્ટમાં છે ₹8000 કરોડથી વધુની થાપણ!
Asia richest village : ગુજરાતનો કચ્છ જિલ્લો ક્યારેય તેના રણોત્સવ અને સાંસ્કૃતિક વારસો માટે જાણીતું રહ્યું છે. પરંતુ ભુજ નજીકનું એક નાનું ગામ – માધાપર – આજકાલ આખા એશિયામાં પોતાની અદભૂત સંપત્તિ અને એનઆરઆઈ જોડાણ માટે ચર્ચામાં છે. માત્ર 3 કિલોમીટરના અંતરે આવેલા આ ગામે અસાધારણ વિકાસનો માર્ગ અપનાવ્યો છે.
માધાપર – નાનું ગામ, મોટા સપના
2011ની વસ્તી ગણતરી મુજબ ગામમાં લગભગ 17,000 લોકો વસતા હતા. આજના સમયમાં આ સંખ્યા અંદાજે 65,000 થી વધુ પહોંચી ગઈ છે. 30,000 જેટલા ઘરો ધરાવતું આ ગામ એટલા માટે ખાસ છે કે અહીં 15થી વધુ નેશનલ અને પ્રાઈવેટ બેન્કોની શાખાઓ, મોટી સંખ્યામાં એનઆરઆઈ નાગરિકો અને આશરે 7000થી 8000 કરોડ રૂપિયાની થાપણો છે – માત્ર બેન્ક અને પોસ્ટમાં!

વિદેશી માધાપરવાસીઓનો મોટો ફાળો
માધાપર ગામના અંદાજિત 1200 જેટલા પરિવાર વિદેશમાં વસે છે, જેમાં મોટાભાગના આફ્રિકા, યુકે, અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને ગલ્ફ દેશોમાં વ્યવસાય કરે છે. તેઓ ત્યાંથી કમાયેલી રકમ પોતાના વતનમાં જમા કરે છે. માત્ર 8 વર્ષ પહેલા ગામની બેન્કોમાં 2500 કરોડ રૂપિયા હતા, જે આજે ત્રણ ગણા થયા છે. આ વૃદ્ધિ માત્ર નાણા નથી, પણ ગામ માટેના પ્રેમ અને વિશ્વાસની વાર્તા છે.
બેન્કોનો અદ્ભુત જમાવટ
અત્યારે ગામમાં SBI, ICICI, HDFC, Bank of Baroda, Union Bank, Axis Bank, Central Bank, Canara Bank સહિત 15થી વધુ બેન્કોની શાખાઓ છે. હજુ પણ કેટલીક નવી બેન્કો અહીં શાખા ખોલવા માટે તૈયારીઓ કરી રહી છે. આટલી બધી બેન્કો કોઈ એક ગામમાં હોવું એજ એક રેકોર્ડ છે.

વિશેષતા કે ગામ ખુદ છે “સંપત્તિના વડલાં”
માધાપરમાં રહેતી દરેક વ્યક્તિ દીઠ સરેરાશ થાપણ 10.75 લાખ રૂપિયાથી વધુ છે. એટલું જ નહીં, ગામમાં અધિકારિક રીતે ત્રણ ગ્રામ પંચાયતો છે – જુનાવાસ, નવાવાસ અને વર્ધમાનનગર – છતાં પણ ગામ એકતામાં મજબૂત છે.
વિકાસના દરેક પંથમાં આગળ
માધાપર માત્ર ધનસંપત્તિથી નહિ, પણ શિક્ષણ, આરોગ્ય, જીવનશૈલી અને આધુનિક સુવિધાઓથી પણ સમૃદ્ધ છે. ગામમાં મોટા બંગ્લોઝ, પ્રાઈવેટ અને સરકારી શાળાઓ, ઈંગ્લીશ મીડીયમ સ્કૂલ, ધર્મસ્થળો, ગૌશાળા, સ્પોર્ટ્સ સેન્ટર, તળાવ, હાઇવે કનેક્ટિવિટી જેવી અનેક સુવિધાઓ ઉપલબ્ધ છે.
મૂળ વતન સાથે લાગણીઓ – સમૃદ્ધિનો સાચો આધાર
વિદેશમાં વસતા માધાપરવાસીઓ તેમના મૂળ ગામ સાથે હંમેશા જોડાયેલા રહે છે. તેઓ અહીં મેડિકલ કેમ્પ, શૈક્ષણિક સહાય, ગૌશાળા માટે દાન, વૃદ્ધાશ્રમ જેવી અનેક પ્રવૃત્તિઓમાં યોગદાન આપે છે. ખાસ કરીને ડિસેમ્બર મહિનામાં જ્યારે અનેક એનઆરઆઈ પરિવાર કચ્છમાં આવે છે, ત્યારે ગામનો ઉન્નતિનો ચહેરો વધુ સ્પષ્ટ બને છે.



