Ram Navami 2025 Ahmedabad procession news : રામનવમી પૂર્વે અમદાવાદના સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ એલર્ટ: 23 શોભાયાત્રા માટે મંજૂરીની અરજીઓ, સુરક્ષા માટે SRPની ટુકડી તૈનાત થશે
Ram Navami 2025 Ahmedabad procession news : અમદાવાદમાં વક્ફ બિલને લઈને છેલ્લા કેટલાક દિવસોથી ચાલતા વિરોધ વચ્ચે, રામનવમીની ઉજવણી માટે શહેરમાં વધુ તીવ્ર તૈયારી જોવા મળી રહી છે. આગામી રવિવારે (6 એપ્રિલ) શહેરના સંવેદનશીલ વિસ્તારોમાંથી એક વિશાળ શોભાયાત્રા નીકળવાની છે, જેમાં આશરે 20,000 જેટલા લોકો જોડાવાની સંભાવના છે.
ત્યારે પોલીસ તંત્રે પણ કડક સુરક્ષા વ્યવસ્થા ઘડી કાઢી છે. શાંતિપૂર્ણ રીતે કાર્યક્રમ પૂર્ણ થાય તે માટે બહારથી એક SRPની વિશેષ ટુકડી બોલાવવામાં આવી છે. ઉપરાંત, 2 ડીસીપી, 15 પીઆઈ, તેમજ એડિશનલ પોલીસ કમિશનર પણ સ્થળ પર હાજર રહેશે.
પોલીસ કમિશનરની કાયદો વ્યવસ્થાની સમીક્ષા
શહેરના પોલીસ કમિશનર જી.એસ. માલિકે તમામ PI સાથે બેઠક યોજી હતી, જેમાં રામનવમી દરમ્યાન શહેરમાં કાયદો અને ટ્રાફિક વ્યવસ્થાને લઈને વિશેષ ધ્યાન આપવા સૂચના આપવામાં આવી હતી. શહેરના વિવિધ પોલીસ સ્ટેશનોમાં પણ સંબંધિત અરજી અને મંજૂરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

23 શોભાયાત્રા માટે મંજૂરી માંગાઇ
આ વર્ષે શહેરમાં રામનવમી નિમિત્તે કુલ 23 શોભાયાત્રાઓ યોજાવાની સંભાવના છે અને એ માટે મંજૂરી માટે અરજીઓ આપી દેવાઈ છે. અમદાવાદ પોલીસના જણાવ્યા અનુસાર, શહેરમાં અત્યાર સુધીમાં 14,000 જેટલા સીસીટીવી કેમેરા લગાવાયા છે, જે ગુનેગારો પર નજર રાખવા માટે મહત્ત્વની ભૂમિકા ભજવી રહ્યા છે.
જોર્ડન રોડ, દરિયાપુર, શાહપુરમાં કડક ચાંપતો બંદોબસ્ત
શહેરના જોર્ડન રોડ, દરિયાપુર અને શાહપુર જેવા સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષાના વિશેષ બંદોબસ્ત સાથે પોલિસ સ્ટાફ અને SRP તૈનાત કરવામાં આવશે. પૂર્વેના અનુભવને ધ્યાનમાં રાખી રાજ્ય સરકાર અને પોલીસ વિભાગ દ્વારા સાવચેતીભર્યું પ્લાનિંગ કરવામાં આવ્યું છે.



