Sindhi Cultural Hall : અમદાવાદ: ચેટીચાંદ પર્વ પર સિંધી સમાજ માટે ખુશીની ઘડી, નરોડામાં બનશે પ્રથમ સિંધી સાંસ્કૃતિક ભવન
Sindhi Cultural Hall : અમદાવાદમાં ચેટીચાંદ પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી, અને આ પવિત્ર અવસરે સિંધી સમાજ માટે એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ શહેરના નરોડા વિસ્તારમાં સૌપ્રથમ સિંધી સાંસ્કૃતિક ભવનનું નિર્માણ કરવામાં આવશે. આ ભવન 18 કરોડના ખર્ચે તૈયાર થવાનું છે, અને ચેટીચાંદ પર્વના આ વિશેષ દિવસે આ જાહેરાત થતા સિંધી સમાજમાં આનંદની લાગણી પ્રસરી છે.
સિંધી સમાજ માટે નવી સંભાવનાઓ
રાજ્યભરમાં ચેટીચાંદ પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે સિંધી સમાજને શુભકામનાઓ પાઠવી. મુખ્યમંત્રીએ લીલી ઝંડી આપીને ચેટીચાંદ પર્વના સરઘસને પ્રસ્થાન કરાવ્યું. આ પ્રસંગે નરોડાના ધારાસભ્ય ડો. પાયલબેન કુકરાણીએ રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું કે, “ચેટીચાંદ પર્વ 1300 વર્ષ જૂની પરંપરા છે, જે આજે પણ ધૂમધામથી ઉજવાય છે. આ વર્ષે પ્રથમ વખત મહિલાઓ દ્વારા વિશેષ ઝાંખી રજૂ કરવામાં આવી છે.”
તેમણે વધુમાં ઉમેર્યું કે, “દેશમાં પ્રથમવાર સરકાર દ્વારા સિંધી સાંસ્કૃતિક ભવન બનાવવાની યોજના છે. અગાઉ સિંધુભવન ટ્રસ્ટ દ્વારા સંચાલિત હતું, પરંતુ આ ભવન સંપૂર્ણપણે સરકારની સહાયથી બનશે. સિંધી સંસ્કૃતિ દેશની મહત્વપૂર્ણ ધરોહર છે અને આઝાદી પછી દેશના વિકાસમાં સિંધી સમાજે મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.”

ઇતિહાસને જીવંત રાખવા મ્યુઝિયમની યોજના
સિંધી સમાજ માટે આ ભવન માત્ર એક સાંસ્કૃતિક કેન્દ્ર નહીં, પણ ઇતિહાસને જીવંત રાખતું મ્યુઝિયમ પણ બની રહેશે. 1947ના વિભાજન દરમિયાન સિંધી સમાજે ભોગવેલા સંઘર્ષ અને તેમના યોગદાનને ઉજાગર કરવા માટે આ મ્યુઝિયમ બનાવવાનું આયોજન છે. આ અંગે ધારાસભ્ય પાયલબેન કુકરાણીએ જણાવ્યું કે, “સિંધી સમાજના ભૂતકાળ અને સિદ્ધિઓને આગળ લાવવા માટે નરોડામાં માયા સિનેમા પાસે 5,000 સ્ક્વેર મીટરના વિસ્તારમાં ભવનનું નિર્માણ કરવામાં આવશે. 2024-25ના બજેટમાં રાજ્ય સરકારે આ માટે 18 કરોડ રૂપિયાનું ફંડ મંજૂર કર્યું છે.”
આ ભવન માત્ર સિંધી સમાજ માટે નહીં, પરંતુ સમગ્ર ગુજરાત માટે ગૌરવનો વિષય બની રહેશે. સિંધી સમાજની સંસ્કૃતિ અને પરંપરાઓને જાળવી રાખવા માટે આ ભવન એક મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. ચેટીચાંદ પર્વના આ ખાસ દિવસે આવી એક મોટી જાહેરાત થતા, સમગ્ર સિંધી સમાજમાં ખુશીનું માહોલ જોવા મળ્યો છે.



