Gujarat Weather Update: ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી: 3 એપ્રિલ સુધી 18થી વધુ જિલ્લાઓમાં માવઠાની સંભાવના
Gujarat Weather Update: ગુજરાતમાં આગામી કેટલાક દિવસોમાં હવામાનમાં મોટા પાયે ફેરફાર થવાની શક્યતા છે. હવામાન વિભાગે 31 માર્ચથી 3 એપ્રિલ સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. આ કારણે રાજ્યમાં ગરમીમાંથી થોડી રાહત મળશે, પરંતુ ખેડૂતો માટે આ સ્થિતિ ચિંતાજનક બની શકે છે.
કયા વિસ્તારોમાં થશે વરસાદ?
31 માર્ચ: નર્મદા, તાપી અને ડાંગ જિલ્લામાં સામાન્ય વરસાદની શક્યતા.
1 એપ્રિલ: છોટાઉદેપુર, નર્મદા, સુરત, ભરૂચ, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી અને ભાવનગરમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના.
2 એપ્રિલ: અરવલ્લી, ખેડા, આણંદ, મહિસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, બોટાદ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં કમોસમી વરસાદની આગાહી.
3 એપ્રિલ: રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવોથી મધ્યમ દરજ્જાનો વરસાદ થઈ શકે.

ખેડૂતો માટે મહત્વની ચેતવણી
થંડરસ્ટોર્મ એક્ટિવિટીના કારણે પવનની ગતિ 40 કિ.મી. પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. ખાસ કરીને બાગાયતી પાકો અને રવિ પાકોને નુકસાન થવાની શક્યતા છે. હવામાન વિભાગે ખેડૂતોને સાવચેતી રાખવા અને પાક સુરક્ષિત રાખવા માટે જરૂરી પગલાં લેવાની સુચના આપી છે.
તાપમાનમાં ફેરફાર
હાલમાં રાજ્યમાં તાપમાન 37-39 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ભેજવાળા પવનના કારણે ગરમી વધુ અનુભવાઈ રહી છે. કમોસમી વરસાદના કારણે તાપમાનમાં થોડો ઘટાડો થશે, પરંતુ ભેજવાળા વાતાવરણને કારણે અસહ્ય ગરમીનો અનુભવ યથાવત્ રહેશે.



