Visavadar By-election: ગોપાલ ઇટાલિયા વિસાવદરથી ચૂંટણી લડશે, આમ આદમી પાર્ટીએ કરી જાહેરાત
Visavadar By-election: વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ તેમના ઉમેદવાર તરીકે ગોપાલ ઇટાલિયાના નામની જાહેરાત કરી છે. 2022ની વિધાનસભા ચૂંટણીમાં આ બેઠક પરથી આમ આદમી પાર્ટીના ભૂપત ભાયાણી વિજેતા બન્યા હતા, તેઓ બાદમાં ભાજપમાં જોડાયા, જેના કારણે આ બેઠક ખાલી પડી. મહત્વની વાત એ છે કે ચૂંટણી પંચે હજી પેટાચૂંટણીની તારીખો જાહેર કરી નથી.
વિસાવદરમાં આમ આદમી પાર્ટીની સ્થિતિ દયનીય
વિસાવદર નગરપાલિકાની તાજેતરની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના 24માંથી 20 ઉમેદવારની ડિપોઝીટ જપ્ત થઈ હતી, જેનો અર્થ એ થાય છે કે પાર્ટી અહીં કોઈ મજબૂત સ્થિતીમાં નથી. સ્થાનિક લોકો પેરાશૂટ ઉમેદવારોને સ્વીકારતા નથી અને ગોપાલ ઇટાલિયાને અહીંથી ચૂંટણી લડાવવા આમ આદમી પાર્ટીનો એક રાજકીય પ્રયોગ માનવામાં આવી રહ્યો છે.

2022ની જીત વ્યક્તિગત હતી, પાર્ટીની નહીં!
ભાજપના નેતાઓ માને છે કે 2022માં વિસાવદર બેઠક પર જે જીત મળી હતી, તે ભુપત ભાયાણીની વ્યક્તિગત લોકપ્રિયતાની હતી, આમ આદમી પાર્ટીની નહીં. ભુપત ભાયાણી ભાજપમાં જોડાયા બાદ વિસાવદરમાં આમ આદમી પાર્ટીનું કાયમ માટે વજુદ ખતમ થઈ ગયું છે.
ભાજપે આમ આદમી પાર્ટીના નિર્ણયને હાસ્યાસ્પદ ગણાવ્યો
ભાજપના પ્રવક્તા યજ્ઞેશ દવેએ આમ આદમી પાર્ટીના નિર્ણયને નિશાન બનાવતા કહ્યું કે, “હજુ ચૂંટણી પંચે ચૂંટણીની તારીખો જાહેર કરી નથી, અને આમ આદમી પાર્ટી પહેલેથી જ તેમના ઉમેદવાર જાહેર કરી રહી છે. આ નબળા રાજકારણની નિશાની છે અને હાસ્યાસ્પદ નિર્ણય છે.”
વિસાવદર વિધાનસભા બેઠક પર 2022ની ચૂંટણી દરમિયાન આમ આદમી પાર્ટીના ભૂપત ભાયાણી વિજેતા બન્યા હતા, પરંતુ ભાજપના હર્ષદ રીબડીયાએ તેમની વિરુદ્ધ હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી હતી. જો કે, રીબડીયાએ હવે પિટિશન પરત ખેંચી લીધી છે, જેના કારણે હવે પેટાચૂંટણીની શક્યતા વધી ગઈ છે.



