Ghoomar World Record Surat: રાજસ્થાન સ્થાપના દિવસ પર સુરતમાં ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનશે: 11,000 માતા-દીકરીઓ એકસાથે કરશે ઘુમર નૃત્ય
Ghoomar World Record Surat: સુરત શહેર રાજસ્થાન સ્થાપના દિવસની અનોખી ઉજવણી માટે તૈયાર છે. સુરતના ગોડાદરા વિસ્તારમાં રાજસ્થાન સમાજ દ્વારા 11,000 માતા-દીકરીઓ એકસાથે ઘુમર નૃત્ય પ્રસ્તુત કરીને વિશ્વવિક્રમ સ્થાપવાની તૈયારીમાં છે. આ ખાસ પ્રસંગે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સના અધિકારીઓ પણ હાજર રહેશે અને આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનશે.
સુરતમાં રાજસ્થાની સમાજનો વિશેષ યોગદાન
સુરત એક વૈવિધ્યસભર શહેર છે, જ્યાં વિવિધ જાતિના અને સમાજના લોકો સાથે-સાથે રહે છે. ખાસ કરીને રાજસ્થાન સમાજના લોકો અહીં મોટી સંખ્યામાં વસવાટ કરે છે. મુખ્યત્વે ટેક્સટાઇલ અને વેપાર ક્ષેત્રે સંકળાયેલા આ લોકો દર વર્ષે રાજસ્થાન સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી કરે છે.
આ વર્ષે, રાજસ્થાન યુવા સમાજના વિક્રમ શેખાવત અને રામઅવતાર ભાઈના માર્ગદર્શન હેઠળ, ગુજરાતના ગરબાની જેમ રાજસ્થાનની સંસ્કૃતિનું પ્રતીક ‘ઘુમર’ નૃત્ય એક નવા આયામે પહોંચી રહ્યું છે. ગોડાદરા સ્થિત મરુધર મેદાનમાં 11,000 બહેનો અને માતાઓ એકસાથે ઘુમર નૃત્ય રજુ કરશે અને એક નવો ઈતિહાસ રચશે.
જુના રેકોર્ડને તોડવાનો પ્રયાસ
જયપુર, રાજસ્થાનમાં 6,000 મહિલાઓ દ્વારા ઘુમર નૃત્યનો વર્લ્ડ રેકોર્ડ બનાવવામાં આવ્યો હતો. હવે સુરત શહેર આ રેકોર્ડ તોડવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. આ ગ્રાન્ડ ઈવેન્ટ દ્વારા રાજસ્થાની સાંસ્કૃતિક સમૃદ્ધિ અને ગુજરાતી-રાજસ્થાની સંસ્કૃતિની એકતા દુનિયામાં પ્રદર્શિત થશે.

વિશેષ આકર્ષણો
રાજસ્થાનથી કાલબેલીયા ફોક ડાન્સ સ્પેશ્યાલિસ્ટ આસા સપેરા ખાસ આવવાના છે, જેમના સ્ટેપ્સ મહિલાઓ અનુસરશે.
બોલીવુડના જાણીતા ફોક ગાયક પણ કાર્યક્રમમાં હાજરી આપશે.
30 માર્ચ, રવિવારે, ચૈત્રી નવરાત્રીની શરૂઆત સાથે 11,000 લોકો એકસાથે ગંગા આરતી કરશે, જે એક નવો કિર્તિમાન હશે.
ગંગા આરતી માટે ખાસ 11 પંડિતો વારાણસીના ગંગાઘાટથી સુરત આવશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘જળ બચાવો સંકલ્પ’ અભિયાન અંતર્ગત 4-5 લાખ લોકો પાણી બચાવવાની પ્રતિજ્ઞા લેશે, જે દેશના ઈતિહાસમાં સૌથી મોટી જળ સંરક્ષણ શપથ હશે.
આ ઇવેન્ટ માત્ર એક ડાન્સ રેકોર્ડ સુધી સીમિત નહીં રહે, પણ સંસ્કૃતિ, પરંપરા અને સંકલ્પનો એક મહત્વપૂર્ણ સંદેશ પણ આપશે.



