Speaker Warning: વિધાનસભામાં શિસ્તભંગ નહીં ચાલે! અધ્યક્ષે ધારાસભ્યોને ટકોર કરી
Speaker Warning: વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી હંમેશાં ગૃહમાં શિસ્ત જાળવવા માટે ધારાસભ્યોને ચેતવતા રહે છે. શુક્રવારે પણ તેમણે કડક અવાજમાં ધારાસભ્યોને સમજાવતાં કહ્યું કે ગૃહની અંદર શિસ્તભંગ નહીં ચાલે. ધારાસભ્યો અને મંત્રીઓએ અંદર ચર્ચા-વાર્તાલાપ કરવાનું બંધ કરવું જોઈએ. તેમણે સ્પષ્ટ કરી દીધું કે હવે વારંવાર સમજાવવાની જરૂર નથી, બધાએ ગૃહની ગૌરવભર્યા માહોલમાં યોગ્ય રીતે બેસવું જોઈએ.
મંત્રીઓ અને ધારાસભ્યોને ટકોર
ગૃહની શિસ્ત ભંગ કરતી પ્રવૃત્તિઓને ધ્યાનમાં રાખી અધ્યક્ષે ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી અને ધારાસભ્ય કિરીટ પટેલને પણ ટકોર કરી હતી. તેમણે દરેક ધારાસભ્યને સંજોગો સમજીને જવાબદારીપૂર્વક વર્તન કરવાની સલાહ આપી.

મોબાઇલના ઉપયોગ પર પ્રતિબંધ
ગઈકાલે ગુરુવારે પણ શંકર ચૌધરીએ ગૃહમાં ફોટોગ્રાફી અને મોબાઇલ ઉપયોગ અંગે સખત પ્રતિબંધ લગાવ્યો હતો. ધારાસભ્ય કાંતિ અમૃતિયા અને અલ્પેશ ઠાકોરને મોબાઇલ વાપરવા બાબતે ટકોર કરતા તેમણે સ્પષ્ટ શબ્દોમાં જાહેર કરી દીધું કે હવે આ મામલે કોઈ છૂટ આપવામાં નહીં આવે. ગૃહની અંદર મોબાઇલ ઉપયોગ કરવો નહીં અને ફોટો પાડવા પર પ્રતિબંધ રહેશે. જો કોઈ ધારાસભ્ય આ નિયમોનું ઉલ્લંઘન કરશે તો તેને સીધું ગૃહની બહાર કાઢી મૂકવામાં આવશે.
અધિકારીઓ માટે પણ સ્પષ્ટ સૂચનાઓ
વિધાનસભાના અધ્યક્ષે ફક્ત ધારાસભ્યો જ નહીં, પણ પ્રધાનો અને અધિકારીઓ માટે પણ ગૃહમાં હાજર રહેવા તાકીદ કરી. ખાસ કરીને, જ્યારે કોઈ વિભાગના બજેટ અથવા માગણીઓ અંગે ચર્ચા ચાલી રહી હોય, ત્યારે સંબંધિત સચિવો ગૃહમાં હાજર રહે એ માટે આદેશ અપાયો. ગૃહમાં સરકારના પ્રધાન કુંવરજી હળપતિ ગ્રામ ગૃહ નિર્માણ વિભાગની માગણીઓ રજૂ કરી રહ્યા હતા, ત્યારે વિભાગના સચિવો ગૃહમાં હાજર ન હોવાથી અધ્યક્ષે તેમને તાત્કાલિક હાજર રહેવા કહ્યું.
ગૃહની શિસ્ત માટે કડક વલણ
શંકર ચૌધરીએ ફરી એકવાર સાફ કરી દીધું કે વિધાનસભા ગૃહમાં શિસ્ત જાળવવી તમામ માટે જરૂરી છે. પ્રજાના પ્રશ્નો અને રાજ્યની મહત્ત્વપૂર્ણ ચર્ચાઓ દરમિયાન ધારાસભ્યોને જાગૃત અને ગૃહની શિસ્તમાં રહેવું જરૂરી છે. મોબાઇલ વાપરવા, ગૃહની બહારની વાતો કરવી કે ગેરહાજર રહેવી – આવું કોઈ પણ વર્તન હવે સ્વીકાર્ય રહેશે નહીં.



