Eco Village Gujarati : ગુજરાતનું પ્રથમ ઈકો વિલેજ: પર્યાવરણ અને પ્રગતિનું શ્રેષ્ઠ સમતોલન
Eco Village Gujarati: વિશ્વ વન દિવસ દર વર્ષે 21 માર્ચે ઉજવાય છે, જેનો ઉદ્દેશ્ય નાગરિકોમાં વન અને પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવાનો છે. આ વર્ષની થીમ ‘ફોરેસ્ટ્સ એન્ડ ફુડ’ છે, જે જંગલોના ખાદ્ય સુરક્ષા અને પોષણમાં યોગદાનને પ્રકાશિત કરે છે.
આ અવસરે, આપણે સુરત જિલ્લાના માંડવી તાલુકાના ધજ ગામની વાત કરીએ, જે ગુજરાતનું પ્રથમ ઈકો વિલેજ તરીકે જાણીતું છે. આ ગામ સંપૂર્ણ રીતે વન વિસ્તારથી ઘેરાયેલું છે અને પર્યાવરણ સાથે પ્રગતિની સમજૂતી કરતાં દેશના અન્ય ગામોને પ્રેરણા આપી રહ્યું છે. પર્યાવરણ અને વિકાસ વચ્ચે સંતુલન જાળવવા 2016માં આ ગામને ઈકો વિલેજ જાહેર કરવામાં આવ્યું હતું. સુરતના ઓલપાડ તાલુકાના નઘોઈ ગામને પણ આવનારા સમયમાં ઈકો વિલેજ તરીકે વિકસાવવાની તૈયારી ચાલી રહી છે.
સુરતથી 70 કિમી દૂર આવેલું ધજ ગામ એક સમયે પ્રાથમિક સુવિધાઓથી વંચિત હતું. ગ્રામજનો જંગલમાંથી મેળવતી પેદાશો દ્વારા પોતાનું જીવન ચલાવતા. ગુજરાત ઈકોલોજી કમિશને આ ગામને ઈકો વિલેજ જાહેર કરીને પાયાની સુવિધાઓ વિકસાવી છે, જેમાં ગોબરગેસ, વરસાદી પાણી સંચય, સોલાર સ્ટ્રીટ લાઈટ, અને પ્રાકૃતિક ખેતીના પ્રયત્નો સામેલ છે.

નાયબ વન સંરક્ષક આનંદકુમારે જણાવ્યું કે 2016 પછી ગામમાં પર્યાવરણની જાળવણી માટે વિવિધ પહેલ કરવામાં આવી છે, જેમાં નવિન ટેકનોલોજીનો ઉપયોગ કરીને ગ્રામજનોને આત્મનિર્ભર બનાવવા મદદરૂપ થવા પ્રોત્સાહન આપવામાં આવ્યું છે.
ધજ ગામમાં વન વિભાગ દ્વારા વન કલ્યાણ સમિતિ સ્થાપવામાં આવી છે, જે જંગલની જાળવણી અને પ્રકૃતિ સંરક્ષણ માટે કામ કરે છે. ગામના યુવાનો અને અગ્રણીઓ પણ પર્યાવરણ જાળવણીમાં પોતાનો ફાળો આપી રહ્યા છે. સ્મશાન, ગોબર ગેસ, દૂધ મંડળી, અને પાશુપાલનની સુવિધાઓ સાથે આ ગામ આજના સમયમાં વિકાસનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.



