Gujarat health workers strike : હડતાલનો દુરુપયોગ નહીં ચાલે: સરકારનો કર્મચારીઓ માટે કડક નિર્ણય
Gujarat health workers strike : રાજ્યમાં જનતાને સુચારુ સેવા મળી રહે તે માટે સરકાર દ્વારા વિવિધ વિભાગો ચલાવવામાં આવે છે. કેટલાક વિભાગો અતિઆવશ્યક સેવા તરીકે ગણવામાં આવે છે, જે લોકોના દૈનિક જીવન અને આરોગ્ય માટે મહત્વપૂર્ણ હોય છે. આવી સેવાઓમાં કાર્યરત કર્મચારીઓ હડતાલ પર જાય ત્યારે સામાન્ય નાગરિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ સમસ્યાને ધ્યાનમાં રાખી સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આરોગ્ય સેવા હવે આવશ્યક સેવામાં સામેલ
અવારનવાર પોતાના હક અને માંગણીઓ માટે આરોગ્ય વિભાગના કર્મચારીઓ હડતાલનું શસ્ત્ર અપનાવતા રહ્યા છે. હોસ્પિટલોમાં તબીબી સેવાઓમાં વિક્ષેપ પડે, ઈમરજન્સી કિસ્સાઓમાં દર્દીઓ મુશ્કેલીનો સામનો કરે, અને આરોગ્ય વ્યવસ્થાપન ખોરવાઈ જાય એવાં અનેક સંજોગો સર્જાતા રહ્યા છે.

રાજ્ય સરકારે આ પરિસ્થિતિનું નિરાકરણ લાવવા માટે The Essential Services Maintenance Act, 1981 હેઠળ આરોગ્ય સેવાઓને આવશ્યક સેવામાં સામેલ કરવાનો નિર્ણય લીધો છે. આ નિયમ મુજબ, હવે આરોગ્ય વિભાગના કર્મચારીઓ હડતાલ પર જઈ શકશે નહીં.
ફિક્સ-પે કર્મચારીઓ માટે સરકારનો કડક વલણ
રાજ્ય સરકાર દ્વારા અગાઉથી જ પોલીસ અને ઉર્જા વિભાગની સેવાઓને અતિઆવશ્યક સેવામાં સામેલ કરવામાં આવી હતી. હવે આરોગ્ય સેવાઓ પણ તે જ શ્રેણીમાં આવી ગઈ છે. સરકાર દ્વારા હડતાલ પર જનાર ફિક્સ-પે કર્મચારીઓની સેવા રદ કરવાની શક્યતા પણ ચર્ચાઈ રહી છે. આગામી દિવસોમાં સરકાર દ્વારા આ માટે સ્પષ્ટ માર્ગદર્શન અને નિયમો જાહેર કરવામાં આવશે. આ નિર્ણયથી આરોગ્ય સેવાઓ વધુ પ્રભાવી બનશે અને જનતાને સતત સારવાર સુલભ બની રહેશે.



