Sunita Williams Safe Return : સુનિતા વિલિયમ્સ માટે જુલાસણના મંદિરે 9 મહિના સુધી પ્રજ્વલિત રહ્યો અખંડ દીવો
Sunita Williams Safe Return : પ્રખ્યાત ભારતીય મૂળની અંતરિક્ષયાત્રી સુનિતા વિલિયમ્સ નવ મહિના અને 13 દિવસ બાદ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) માંથી સુરક્ષિત રીતે પૃથ્વી પર પરત ફર્યા છે. સમગ્ર વિશ્વમાં તેમની સલામત વાપસી માટે પ્રાર્થનાઓ થઈ હતી, ત્યારે ગુજરાતના મહેસાણા જિલ્લાના જુલાસણ ગામે પણ શ્રદ્ધાળુઓએ ખાસ પ્રાર્થના કરી હતી. ગામના દોલા માતાજીના મંદિરે એક અખંડ દીવો પ્રગટાવી નવ મહિના સુધી સતત જ્યોત પ્રજ્વલિત રાખી હતી. સુનિતા વિલિયમ્સની સલામત વાપસી બાદ ગામજનોએ શોભાયાત્રા કાઢી અને માતાજીને 10 કિલો સુખડીનો પ્રસાદ ધરાવ્યો.
ગામજનોએ માતાજીના આશીર્વાદ માટે અખંડ દીવો રાખ્યો
જુલાસણ, જે સુનિતા વિલિયમ્સના પરિવાર સાથે જોડાયેલું ગામ છે, ત્યાં ગામના લોકો અને મંદિરના પુજારીઓએ તેમના સલામત પૃથ્વી પર પરત ફરવા માટે સતત આરાધના કરી હતી. જ્યારે તેઓ ISSમાં ટેકનિકલ સમસ્યાઓને કારણે ફસાયા હતા, ત્યારે ગામના દોલા માતાના મંદિરમાં તેમની તસવીર રાખીને સતત અખંડ જ્યોત પ્રજ્વલિત રાખવામાં આવી હતી.

ગામમાં ઉજવણી: શોભાયાત્રા અને પ્રસાદ વિતરણ
સુનિતા વિલિયમ્સની સલામત વાપસી પછી ગામમાં ભવ્ય ઉજવણી યોજાઈ. ગામની હાઈસ્કૂલથી દોલા માતાના મંદિરે સુધી ઢોલ-નગારાની સાથે શોભાયાત્રા કાઢવામાં આવી. આ ઉજવણીમાં ગામના વિદ્યાર્થીઓ, મહિલાઓ અને વડીલો સહિત મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા. મંદિરે માતાજીને 10 કિલો સુખડીનો પ્રસાદ ધરાવવામાં આવ્યો અને ગામજનોએ એકબીજાને મીઠાઈ ખવડાવી.
સુનિતા વિલિયમ્સ માતાજીમાં રાખે છે અપાર શ્રદ્ધા
ગામજનોએ જણાવ્યુ કે, જ્યારે પણ સુનિતા વિલિયમ્સ અથવા તેમના પરિવારજનો જુલાસણ આવે છે, ત્યારે દોલા માતાના મંદિરે અવશ્ય શીશ નમાવે છે. માતાજી પર તેમ
ની અટૂટ શ્રદ્ધા છે અને તેમને ખાતરી છે કે માતા રખેવાળી હોવાને કારણે જ તેઓ સુરક્ષિત પરત આવ્યા છે.
ફરી એકવાર ગુજરાત આવી શકે છે
અગાઉ પણ સુનિતા વિલિયમ્સ પોતાના પરિવાર સાથે જુલાસણની મુલાકાત લઈ ચૂક્યા છે. હવે જ્યારે તેઓ અંતરિક્ષમાંથી પરત ફર્યા છે, ત્યારે તેઓ ફરી એકવાર માતાજીના આશીર્વાદ લેવા માટે ગુજરાત આવી શકે છે.
જુલાસણ ગામે શ્રદ્ધા અને વૈજ્ઞાનિક સફળતાનું અનોખું મિશ્રણ જોવા મળ્યું, જ્યાં એક તરફ અંતરિક્ષવિજ્ઞાનની મહાક્રાંતિ છે, તો બીજી તરફ ભગવતી માતા પ્રત્યેની ગાઢ ભક્તિ છે.



