Sports Teacher Recruitment: સરકારની નીતિ વિરુદ્ધ વ્યાયામ શિક્ષકોનું આંદોલન, 1465 જેટલા કરાર રિન્યુ, 3100 જગ્યાઓ હજુ ખાલી
Sports Teacher Recruitment: ગુજરાતમાં કરાર આધારિત વ્યાયામ શિક્ષકની ભરતી બંધ કરીને કાયમી નિમણૂક કરવામાં આવે તેવી માંગ સાથે વ્યાયામ શિક્ષકો બે દિવસથી આંદોલન કરી રહ્યા છે. તેવામાં, સરકાર દ્વારા 19 માર્ચે (બુધવાર) ખેલ સહાયક (પ્રાથમિક) ભરતીની મેરીટ યાદી જાહેર કરવામાં આવી છે. જો કે, 4565 ખાલી જગ્યાઓની સામે માત્ર 1465 ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે, જ્યારે 3100 જગ્યાઓ હજુ ખાલી છે. આ જગ્યાઓ ક્યારે ભરાશે તે અંગે સરકાર કોઈ સ્પષ્ટતા કરી નથી.
1465 ઉમેદવારોએ નોકરી રિન્યુ કરાવી
રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ અને સ્ટેટ પ્રોજેક્ટ ડિરેક્ટરની કચેરી દ્વારા સ્પોર્ટ્સ એપ્ટિટ્યુડ ટેસ્ટ (SAT) યોજવામાં આવ્યો હતો, જેમાં 5000 જેટલી જગ્યાઓ માટે પરીક્ષા લેવાઈ, પણ ફક્ત 1700 ઉમેદવારો પાસ થયા. સરકાર દ્વારા હવે 1465 ખેલ સહાયકોની નોકરી રિન્યુ કરવામાં આવી છે.
11 માસના કરાર પર કામ કરતા ખેલ સહાયકોની મુદત પૂરી થતાં, તેઓએ નોકરી ચાલુ રાખવા માટે માંગણી કરી હતી. આંદોલનકારી ઉમેદવારો SATના આધારે કાયમી ભરતીની માંગ કરી રહ્યા છે.
કાયમી નિમણૂક કેમ થઈ રહી નથી?
સૂત્રોના જણાવ્યા અનુસાર, આંદોલન કરી રહેલા ઉમેદવારો એ 11 મહિનાના કરાર પર સહમતિ દર્શાવી નોકરી સ્વીકારી હતી. જેના કારણે કાયમી નિમણૂકનો રસ્તો બંધ છે. TET અને TAT જેવી પરીક્ષાઓ લેવાય છે તેમ, ખેલ સહાયક માટે પણ એક સ્થિર અને કાયદેસર પ્રક્રિયા હોવી જોઈએ.

વિદ્યાર્થીઓ અને રમતવિદો માટે વ્યાયામ શિક્ષકોની માંગ વધતી
ગુજરાતમાં છેલ્લા 15 વર્ષથી કાયમી વ્યાયામ શિક્ષકોની ભરતી થતી નથી. મિડલ અને હાઈસ્કૂલ સ્તરે પણ આ ભરતી ખૂબ ઓછી સંખ્યામાં થાય છે, જ્યારે ધોરણ 1 થી 8 સુધી તો કોઈ નિમણૂક જ થતી નથી.
આ ઉપરાંત, ખેલ સહાયક ભરતી અંગે મહત્વપૂર્ણ માંગણીઓ નીચે મુજબ છે:
કાયમી વ્યાયામ શિક્ષકની ભરતી કરવામાં આવે.
SEB દ્વારા લેવાયેલ SAT પરીક્ષાને માન્ય રાખી કાયમી નિમણૂક કરવામાં આવે.
સરકારે અગાઉ જાહેર કરેલી 5075 ખાલી જગ્યાઓ પર કાયમી ભરતી કરવામાં આવે.
નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP 2020) અને RTE 2009 મુજબ શારીરિક શિક્ષણને ફરજિયાત બનાવવામાં આવે.
શારીરિક શિક્ષણ અને રમતગમતના વિકાસ માટે સરકાર કાયમી વ્યાયામ શિક્ષકોની ભરતી કરે તે જરૂરી છે, જેથી ગુજરાતના ખેલાડીઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું ગૌરવ વધારી શકે.



