94000 teacher vacancies: ગ્રાન્ટેડ સ્કૂલો માટે ભરતી કેમ નહીં? શાળા સંચાલકોની સરકારને ચીમકી
94000 teacher vacancies: ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરાયેલા ભરતી કેલેન્ડરમાં ગ્રાન્ટેડ સ્કૂલોની અવગણના કરવામાં આવી છે. વર્ગ 1, 2 અને 3 માટે 94,000 જગ્યાઓની ભરતીની જાહેરાત કરવામાં આવી છે, પરંતુ ગ્રાન્ટેડ સ્કૂલોમાં ભરતીને લઈને કોઈ સ્પષ્ટતા નથી. શાળા સંચાલક મંડળે આ નિર્ણયને અન્યાયી ગણાવી સરકારને લેખિતમાં રજૂઆત કરી છે.

13 માર્ચે જાહેર થયેલા કેલેન્ડરમાં આવતા 10 વર્ષમાં 94,000 ભરતી કરવાની યોજના છે. સરકારી શાળાઓ માટે 1094 જગ્યાઓ પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જ્યારે ગ્રાન્ટેડ શાળાઓ માટે કોઈ જાહેરાત કરવામાં આવી નથી. શાળા સંચાલક મંડળના પ્રમુખ ભાસ્કર પટેલે જણાવ્યું કે, “2011 પછી શાળાઓની ભરતીની જવાબદારી સરકારે લઈ લીધી છે. જો ગ્રાન્ટેડ શાળાઓમાં ભરતી થશે નહીં, તો શિક્ષણ વ્યવસ્થા અસરગ્રસ્ત થશે.”

શિક્ષણ વિભાગે જાહેર કરેલા આ કેલેન્ડરમાં પ્રાથમિક શિક્ષણ, કમિશનરેટ ઓફ સ્કૂલ્સ, GCERT, GHSEB, NCC, ટેક્નિકલ વિભાગ અને વિવિધ શિક્ષણ સંસ્થાઓ માટે પ્રિન્સિપાલ, પ્રોફેસર, આસિસ્ટન્ટ પ્રોફેસર, ક્લાર્ક, સિનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક સહિતની જગ્યાઓ માટેની ભરતીનો સમાવેશ છે. પણ ગ્રાન્ટેડ શાળાઓ માટે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી, જેના કારણે શાળા સંચાલક મંડળમાં અસંતોષ વ્યાપી રહ્યો છે.



